જખૌ બંદર રોડ પર મીઠાં ભરેલાં વાહનોની 4 કિલોમીટર લાંબી કતાર! સ્થાનિક માછીમારોની મુશ્કેલીથી લઈને જીવલેણ અકસ્માતો સુધીના ગંભીર સવાલો

અબડાસા તાલુકાના હાજીપીરથી જખૌ બંદર સુધીના માર્ગ પર અર્ચન કંપનીનાં મીઠાં ભરેલાં વાહનોની કથિત ગેરકાયદેસર પાર્કિંગ સામે સ્થાનિક લોકોમાં નારાજગી. રસ્તા પર અવરજવર, વાહનોની સુરક્ષા, પીવાના પાણી, ખેતી અને વાહનચાલકોના અધિકારો અંગે સરકાર સમક્ષ તપાસ અને સમાન કાયદાકીય કાર્યવાહીની માગ.
અબડાસા તાલુકાના જખૌ બંદર તરફ જતા માર્ગ પર જો ચાર કિલોમીટર સુધી મીઠાં ભરેલાં ભારે વાહનોની કતાર ઊભી હોય, તો ત્યાંથી પસાર થનારા સ્થાનિક માછીમારો, ખેડૂતો, સામાન્ય વાહનચાલકો અને સરકારી વાહનોની સ્થિતિ કેવી થતી હશે? બંદર સુધી પહોંચવા માટેના માર્ગ પર જ જો વાહનોની લાંબી કતાર અવરોધ બની જાય, તો ઇમરજન્સી સમયે શું પરિસ્થિતિ સર્જાય? અને સૌથી મોટો સવાલ એ છે કે જાહેર માર્ગ પર આવી સ્થિતિ વારંવાર સર્જાતી હોવાના આક્ષેપો છતાં તેનો કાયમી ઉકેલ કેમ કરવામાં આવતો નથી?
જખૌ બંદર તરફ જતા માર્ગને લઈને સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં અર્ચન કંપની સાથે સંકળાયેલાં મીઠાં ભરેલાં વાહનોની પાર્કિંગ, પરિવહન અને સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે. રજૂઆત મુજબ, કંપનીનાં વાહનો સરકારી રોડ પર એક બાજુ અંદાજે ચાર કિલોમીટર સુધી લાઇનમાં ઊભાં રાખવામાં આવે છે. તેના કારણે સ્થાનિક માછીમારોને પોતાના વાહનો સાથે અવરજવર કરવામાં ખૂબ સારી મુશ્કેલી પડે છે. જખૌ બંદર અને તેની સુરક્ષા સાથે સંકળાયેલાં સરકારી વાહનોને પણ રસ્તાનો ઉપયોગ કરવામાં અડચણ ઊભી થાય છે, તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.
આ સમસ્યા માત્ર રસ્તા પર વાહનોની ભીડ પૂરતી નથી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ જ માર્ગ પર મીઠું ઢાંક્યા વગરનાં વાહનો પસાર થાય છે, કેટલાક વાહનોમાં જરૂરી લાઇટો અને રિફ્લેક્ટિવ માર્કિંગ હોતી નથી, વાહનો રસ્તા પર લાંબા સમય સુધી ઊભાં રહે છે અને ભૂતકાળમાં ગંભીર અકસ્માતો પણ થયેલા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, મીઠું ઊડીને તળાવો અને ખેતરો સુધી પહોંચવાની આશંકા તથા વાહનચાલકોને પડતી મુશ્કેલીઓએ આ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવ્યો છે.
આ સમગ્ર મામલામાં સૌથી પહેલાં એક સીધો સવાલ ઊભો થાય છે કે, જો કંપની પાસે મીઠાં ભરેલાં વાહનો પાર્ક કરવા માટે પૂરતી જગ્યા નથી, તો પછી મોટા પ્રમાણમાં વાહનોમાં મીઠું ભરીને હાજીપીરથી જખૌ બંદર સુધી શા માટે મોકલવામાં આવે છે?
રજૂઆત મુજબ, અર્ચન કંપનીના સિક્યુરિટી ચેકપોઇન્ટ પર હાજર સુરક્ષા ગાર્ડને વાહનોની લાંબી કતાર અંગે પૂછવામાં આવતાં તેમણે કંપની પાસે વાહનો ઊભાં રાખવા માટે પૂરતી જગ્યા ન હોવાનું કારણ બતાવવામાં આવ્યો. કંપનીના જવાબદાર અધિકારીઓ સાથે સંપર્ક કરતાં, તેમના દ્વારા પણ વાહનો રાખવા માટે જગ્યા ઓછી હોવાનો જવાબ આપવામાં આવ્યો.
જો આ જ કારણ છે, તો સમસ્યાનો ઉકેલ શોધવાની જવાબદારી કોની છે? કંપની પાસે જેટલી જગ્યા હોય, જેટલા વાહનો સુરક્ષિત રીતે પાર્ક કરી શકાય અને જેટલા વાહનોને સમયસર ખાલી કરી શકાય, તે મુજબ જ પરિવહનનું આયોજન શા માટે કરવામાં આવતી નથી? વાહનો મોકલી દીધા પછી તેમને સરકારી રસ્તા પર બે-ત્રણ દિવસ સુધી ઊભાં રાખવાની પરિસ્થિતિ સર્જાય, તો તેની અસર માત્ર કંપનીના વ્યવસાય પર નહીં, પરંતુ રસ્તાનો ઉપયોગ કરતા દરેક વ્યક્તિ પર પડે છે. તે બાબત કંપની ને યાદ રાખવી જોઈએ. કંપની પોતાની કામગીરી ચાલુ રાખે તેમાં કોઈને વાંધો નથી, પરંતુ તેના કારણે માછીમારો, ખેડૂતો, ગ્રામજનો અને બંદર સાથે સંકળાયેલા સરકારી વાહનોને મુશ્કેલી સહન કરવી પડે તે પણ યોગ્ય નથી? કંપનીએ પોતાના વાહનો માટે પૂરતી પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ અને વાહનોની આવક-જાવકનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે જાહેર માર્ગ પર લાંબી કતારો ઊભી ન થાય.
કેટલાંક મીઠાં ભરેલાં વાહનોમાં તાડપત્રી લગાવવામાં આવતી નથી. જ્યારે કેટલાક વાહનોમાં તાડપત્રી હોય છે, પરંતુ તે યોગ્ય રીતે બાંધેલી હોતી નથી. અમુક વાહન ચાલકો જે સરકાર દ્વારા અમલી કાયદાઓને માન આપે છે, તેમના વાહનો માં યોગ્ય રીતે તાડપત્રી અને રસી બાંધેલ હોય છે અને તેમના વાહનોમાં મીઠો યોગ્ય યોગ્ય રીતે ઢાંકેલો હોય છે.
સવાલ એ છે કે જો મીઠું લઈ જતાં વાહનોને ઢાંકવાની વ્યવસ્થા જરૂરી હોય, તો તેનો અમલ દરેક વાહનમાં એકસરખો અમલ કેમ કરવામાં આવતો નથી? હાજીપીરથી જખૌ બંદર સુધી મીઠું લઈ જતાં વાહનોની યોગ્ય તપાસ શા માટે કરવામાં આવતી નથી? શું મીઠાના વાહનોમાં તાડપત્રી માત્ર ઔપચારિકતા માટે જ બાંધવામાં આવે છે? તાડપત્રી વગર અથવા યોગ્ય રીતે બાંધેલી તાડપત્રી વગરનાં વાહનોમાંથી મીઠું પવનમાં ઊડીને રસ્તા પર પડે છે. વાહનોનાં ટાયર નીચે મીઠું કચડાતાં તે વધુ ફેલાય છે અને ટુ-વ્હીલર તથા થ્રી-વ્હીલર ચાલકોની આંખો અને શ્વાસ મારફતે શરીર ની અંદર ફેલાય છે. રોજિંદા જીવનમાં પોતાના કામધંધા માટે આ રસ્તા પરથી પસાર થનારા લોકો માટે આ બાબત અવગણવા જેવી નથી. આંખોમાં બળતરા કે શ્વાસને સંબંધિત તકલીફો થાય છે. સ્થાનિય લોકોના શારીરિક અને આરોગ્યક્ષેત્રે મીઠાના કણોનું પ્રમાણ કેટલું છે, તેની તપાસ આરોગ્ય અને પર્યાવરણ વિભાગ દ્વારા ફરજિયાત થવી જોઈએ. જોખમની શક્યતા અંગે તપાસ કર્યા પછી ધૂળના ફેલાવાને અટકાવવો જરૂરી છે.
હાજીપીરથી જખૌ બંદર સુધીના માર્ગની આસપાસનાં ગામડાંઓ માટે આ પ્રશ્ન વધુ ચિંતાજનક છે. સ્થાનિક લોકોની આશંકા છે કે મીઠાં ભરેલાં વાહનોમાંથી ઊડીને પડતું મીઠું આસપાસનાં તળાવો, કૂવાઓ અને ખેતીની જમીનને લાંબા ગાળે અસર કરી શકે છે.
કચ્છ જેવા વિસ્તારમાં પીવાના પાણીની ઉપલબ્ધતા અને ખેતીની જમીનની ગુણવત્તા સામાન્ય બાબતો નથી. ગામડાંના લોકો માટે પાણી, ખેતી અને પશુપાલન જીવનનિર્વાહના મુખ્ય આધાર છે. જો મીઠાના કણો વારંવાર તળાવોમાં જમા થાય અને પાણીની ખારાશમાં વધારો થાય, તો પીવાના પાણીની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્ન ઊભો થઈ શકે છે. તેવી જ રીતે, જમીનમાં ક્ષારતા વધે તો ખેતીની ઉત્પાદકતા પર પણ અસર થવાની શક્યતા ખૂબ સારી વધી જાય છે.
સ્થાનિક લોકોની ચિંતા છે કે આજે આ બાબતને અવગણવામાં આવે અને ભવિષ્યમાં તળાવો તથા ખેતીની જમીન ખરેખર અસરગ્રસ્ત થાય, તો તેની કિંમત આખાં ગામડાંઓએ ચૂકવવી પડી શકે છે. પીવાનું પાણી મેળવવામાં મુશ્કેલી પડે, ખેડૂતોની જમીન ખેતીલાયક ન રહે અને ખેતી પર આધારિત પરિવારોની આવક ઘટે, તો તેની અસર રોજગારી અને પશુપાલન પર પણ પડી શકે છે. આથી માત્ર આક્ષેપો અને આશંકાઓ પર ચર્ચા કરીને અટકી જવાને બદલે માર્ગની આસપાસનાં તળાવો અને કૂવાઓના પાણીના નમૂનાઓની તપાસ થવી જોઈએ. ખેતીની જમીનની ખારાશ માપવી જોઈએ અને મીઠું પરિવહન કરતી વખતે કેટલા પ્રમાણમાં આસપાસ ફેલાય છે તેનો વૈજ્ઞાનિક અભ્યાસ થવો જોઈએ. તપાસમાં કોઈ નુકસાન જણાય તો તેને રોકવા માટે જવાબદાર પક્ષે યોગ્ય પગલાં લેવા જોઈએ.
કેટલાંક મીઠાં ભરેલાં વાહનોમાં પાર્કિંગ લાઇટ અને બ્રેક લાઇટની ખામી હોવાનો, જ્યારે કેટલાક વાહનોમાં હેડલાઇટ અને આરટીઓના નિયમોને અનુરૂપ રિફ્લેક્ટિવ માર્કિંગનો અભાવ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે માર્ગ પર ભારે વાહન ઊભું હોય અને તેની પાછળથી આવતા વાહનચાલકને તે સમયસર દેખાય નહીં, તો અકસ્માત થવાની શક્યતા વધી શકે છે. ખાસ કરીને બંદર તરફ જતા માર્ગ પર ભારે વાહનોની કતાર હોય અને કોઈ વાહન યાંત્રિક ખામીને કારણે રસ્તા પર ઊભું રહી જાય, ત્યારે તેની આસપાસ યોગ્ય ચેતવણીની વ્યવસ્થા હોવી અત્યંત જરૂરી છે. ભૂતકાળમાં આવા વાહનોને કારણે અનેક અકસ્માતો થયા છે અને માર્ગની આસપાસનાં ગામોના યુવાનો પણ અકસ્માતનો ભોગ બન્યા છે. મીઠાં ભરેલાં વાહનો સાથેના અકસ્માતોમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને કંપની તરફથી આજદિન સુધી વળતરરૂપે એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. અકસ્માતમાં પરિવારનો સભ્ય ગુમાવવો એ અસહ્ય દુઃખ છે, આવા પરિવારોને કાયદેસર વળતર મળવાપાત્ર હોય તો તે શા માટે આપવામાં આવતો નથી?
તાજેતરમાં હાજીપીરથી મીઠું ભરીને જખૌ બંદર તરફ આવતું અર્ચન કંપની સાથે સંકળાયેલું એક વાહન યાંત્રિક ખામીને કારણે સરકારી માર્ગની વચ્ચે ઊભું રહી ગયો હતો. જે વાહન સાંજ થી સવાર સુધી સરકારી રસ્તા પર ઊભું રહી ગયો હતો. વાહનના આગળ અને પાછળના ભાગે રાત્રિના સમયે પાછળથી આવતા વાહનચાલકોને ચેતવણી મળે તેવી પૂરતી પાર્કિંગ લાઇટ, બ્રેક લાઇટ અથવા આરટીઓના નિયમોને અનુરૂપ રિફ્લેક્ટિવ માર્કિંગ ન હોતું. પરિણામે, નલિયા ડેપોથી જખૌ બંદર તરફ દરરોજ અવરજવર કરતી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની એસ.ટી. બસના ચાલકને રસ્તા પર ઊભેલું વાહન સમયસર દેખાયું નહીં અને બસ તેની સાથે અથડાઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ અહીં સવાલ એ છે કે યાંત્રિક ખામીને કારણે વાહન રસ્તા પર ઊભું રહી જાય, તો તેને સુરક્ષિત બનાવવા માટે શું પગલાં લેવામાં આવ્યાં હતાં? પાછળથી આવતાં વાહનોને ચેતવણી આપવા માટે જરૂરી કેવી વ્યવસ્થા કરવામાં આવી હતી? અને જો વાહન સાંજ થી સવાર સુધી માર્ગ પર હતું, તો તેને દૂર કરાવવા માટે સંબંધિત કંપનીએ શું કાર્યવાહી કરી હતી? જો વાહન રસ્તા પર જોખમી સ્થિતિમાં ઊભું હતું અને જરૂરી ચેતવણી વ્યવસ્થા કરવામાં આવી નહોતી, તો લાગુ પડતા કાયદા અનુસાર જવાબદારી નક્કી થવી જોઈએ.
થોડા દિવસો અગાઉ નલિયાથી તેરા-બીટા થઈ ભુજ તરફ જતા નેશનલ હાઈવે પર અર્ચન કંપની સાથે સંકળાયેલું મીઠાં ભરેલું વાહન યાંત્રિક ખામીને કારણે રસ્તાની વચ્ચે ઊભું રહી ગયો હતો. વાહન સમયસર રસ્તા પરથી દૂર કરવામાં આવ્યું ન હતું અને રાત્રિના સમયે તેરા નજીક પાછળથી આવતી એક ફોર-વ્હીલર કાર તેની સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક પરિવારના એકમાત્ર પુત્રનું મૃત્યુ થયો હતો. આ ઘટના માત્ર અકસ્માતનો આંકડો નથી. એક પરિવારનો આધાર છીનવાઈ જવો એ એવી ખોટ છે, જેની ભરપાઈ કોઈ રકમથી થઈ શકતી નથી. આવા અકસ્માતમાં વાહનની સ્થિતિ, ચેતવણીનાં સાધનો, માર્ગ પર વાહન ઊભું રાખવાની પરિસ્થિતિ અને અકસ્માતના અન્ય કારણોની નિષ્પક્ષ તપાસ શા માટે હજુ સુધી કરવામાં આવી નથી? અર્ચન કંપનીના અસંવેદનશીલ જવાબદાર અધિકારીઓએ મૃતક યુવાનના પરિવારનો સંપર્ક કરીને સંવેદના વ્યક્ત કરવા માટે આજદિન સુધી કોઈ પણ જાતનો પ્રયાસ કરેલ નથી. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભૂતકાળમાં આવા અનેક બનાવો બન્યા હોવા છતાં હાજીપીરથી જખૌ બંદર સુધીના માર્ગ પર વાહનોની સુરક્ષા માટે પૂરતી તકેદારી લેવામાં આવી નથી.
અર્ચન કંપનીના હાજીપીર ગેટમાંથી પસાર થયા બાદ જખૌ બંદર સુધી મીઠું ખાલી કરવા માટે રાત્રિના સમયે કેટલાક વાહનો માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વગરના ચાલકો દ્વારા ચલાવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ જરૂરી અને માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવતી હોવાનું સાબિત થાય, તો મોટર વાહન અધિનિયમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. ખાસ કરીને ભારે વાહનોના કિસ્સામાં યોગ્ય વર્ગનું લાયસન્સ, વાહનનાં દસ્તાવેજો અને સલામતીનાં નિયમોનું પાલન થાય છે કે નહીં તે તપાસવું જોઈએ.
કંપનીના વાહનો પ્લાન્ટમાંથી બહાર નીકળે તે પહેલાં તેમની સુરક્ષા તપાસ થાય છે કે નહીં, ચાલકોનાં લાયસન્સ ચકાસવામાં આવે છે કે નહીં અને વાહનો રસ્તા પર ચલાવવા યોગ્ય સ્થિતિમાં છે કે નહીં તે અંગે જવાબદાર કંપની દ્વારા શા માટે યોગ્ય પગલા લેવામાં આવતા નથી? જો આવી તપાસ કંપની દ્વારા કરવામાં આવતી હોત તો નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો રસ્તા પર કેવી રીતે પહોંચે છે?
આ સમગ્ર પરિસ્થિતિમાં મીઠું લઈ જતાં વાહનોના ચાલકોની સ્થિતિ પણ અવગણવા જેવી નથી. રજૂઆત મુજબ, જખૌ બંદર ખાતે વાહનો પાર્ક કરવા માટે પૂરતી જગ્યા ન હોવાથી કેટલાક વાહનો સરકારી માર્ગ પર બે-ત્રણ દિવસ સુધી ઊભાં રહે છે. આ દરમિયાન ચાલકો પોતાની ગાડી સાથે કતારમાં ફસાઈ જાય છે અને વાહનચાલકોની વાહન છોડીને અન્યત્ર જવું મુશ્કેલ બની જાય છે. લાંબા સમય સુધી કતારમાં રહેતાં ચાલકોને સમયસર ખોરાક અને પીવાનું પાણી પૂરતો અને યોગ્ય પ્રમાણમાં મળતો નથી. દિવસના સમયે વાહનોની લાંબી લાઇન અને ખુલ્લી જગ્યાની પરિસ્થિતિને કારણે તેઓને શૌચાલયની સુવિધા મેળવવામાં પણ તકલીફ પડે છે. સ્વચ્છતા અને આરામની સુવિધાઓના અભાવે તેમના આરોગ્ય પર ખૂબ જ ગંભીર અસર થવાની સંભાવનાઓ વધી જાય છે. આવી સ્થિતિમાં શારીરિક મુશ્કેલીઓ ઉપરાંત કામકાજ અને આવકને લગતું આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
આ વાહનચાલકો પણ કામદારો છે અને તેમની સાથે માનવીય વ્યવહાર થવો ખૂબ જ જરૂરી છે. જો કંપનીની પાર્કિંગ વ્યવસ્થાના અભાવે તેઓને લાંબા સમય સુધી વાહનોની કતારમાં રહેવું પડતું હોય, તો રાહ જોવાની યોગ્ય જગ્યા, પીવાનું પાણી, શૌચાલય અને આરામની વ્યવસ્થા અંગે આયોજન થવું પણ ખૂબ જ જરૂરી છે. રજૂઆતમાં એવો આક્ષેપ પણ છે કે વાહનચાલકોની આ મુશ્કેલીઓ અંગે માનવીય અધિકારોના રક્ષણ માટે કાર્ય કરતી સંસ્થાઓએ પણ આજદિન સુધી પૂરતો અવાજ ઉઠાવ્યો નથી.
આ સમગ્ર મામલાનો સૌથી મોટો જાહેર પ્રશ્ન કાયદાના સમાન અમલનો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વાહન ચેકિંગ દરમિયાન ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો સામે મોટર વાહન અધિનિયમ હેઠળ કાર્યવાહી થાય છે અને કેટલાક કિસ્સાઓમાં વાહનો ડિટેઇન પણ કરવામાં આવે છે. પરંતુ મીઠાં ભરેલાં ભારે વાહનોની કથિત ખામીઓ અને જાહેર માર્ગ પર લાંબી કતાર હોવા છતાં સમાન કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? ચાની હોટલો પાસે નાના અને મધ્યમ વર્ગના લોકોનાં વાહનો ઊભાં હોય ત્યારે કાયદાનું ઉલ્લંઘન દેખાઈ આવે છે, પરંતુ સરકારી રોડ પર ચાર કિલોમીટર સુધી ભારે વાહનોની ગેરકાયદેસરની લાઇન ઉપર સ્થાનિય તંત્ર ના જવાબદાર અધિકારીઓનું ધ્યાન કેમ જતું નથી? શું સ્થાનિય તંત્ર ના જવાબદાર અધિકારીઓ દ્વારા મીઠા ભરેલ વાહનોની તપાસ નિયમિત રીતે થાય છે? કેટલાં વાહનોની લાઇટો, રિફ્લેક્ટર અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી? કેટલાં વાહનો સામે દંડ અથવા અન્ય કાર્યવાહી કરવામાં આવી? જો નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો તે રોકવા માટે શું પગલાં લેવામાં આવ્યાં?
રજૂઆતમાં રાજકીય દબાણ અથવા નાણાકીય વ્યવહારના કારણે કાર્યવાહી થતી નથી કે કેમ તે અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ ગંભીર આક્ષેપ છે, પરંતુ તેની પુષ્ટિ કરવા માટે કોઈ પુરાવા અથવા સત્તાવાર તપાસ જરૂરી છે. પરંતુ આ સવાલનો જવાબ આપવો જરૂરી છે કે કાયદાનો અમલ સૌ માટે સમાન શા માટે થતો નથી? નાના વાહનચાલકો, ખેડૂતો અને માછીમારોને નિયમોનું પાલન કરાવવું યોગ્ય છે, પરંતુ એ જ નિયમો ભારે વાહનો અને મોટી કંપનીઓ માટે પણ એટલા જ લાગુ થવા પણ યોગ્ય છે.
રજૂઆતમાં કચ્છના મુન્દ્રા પોર્ટ ખાતે અદાણી કંપની સાથે સંકળાયેલી જેટ્ટી પર વાહનોની પ્રવેશ વ્યવસ્થાનો ઉલ્લેખ કરીને સરખામણી કરવામાં આવી છે. રજૂઆતકર્તાના જણાવ્યા મુજબ, ત્યાં પ્રવેશ સમયે વાહનોની ચકાસણી થાય છે અને વાહનની સ્થિતિ, લાઇટો, રિફ્લેક્ટિવ માર્કિંગ, લાયસન્સ તથા સલામતી સંબંધિત બાબતો તપાસવામાં આવે છે. નિયમોનું પાલન કરતા વાહનોને જ પ્રવેશ આપવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઉદાહરણ દ્વારા રજૂઆતકર્તા કહેવા માગે છે કે બંદર સાથે સંકળાયેલી કામગીરીમાં વાહનોની સુરક્ષા અને નિયમોનું પાલન કરાવવું શક્ય છે, તો જખૌ બંદર તરફ મીઠાં ભરેલાં વાહનો માટે પણ આવી વ્યવસ્થા કેમ ઊભી કરવામા આવતી નથી? શેની શરમ નડે છે? રજૂઆતમાં એવો મત પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કે કડક સલામતી નિયમોનું પાલન કરવાથી વ્યવસાયની પ્રગતિ અટકતી નથી.
મુખ્ય મુદ્દો કોઈ એક કંપનીની પ્રશંસા કે બીજી કંપનીની ટીકા કરવાનો નથી. સવાલ એટલો જ છે કે દરેક સ્થળે વાહનોની સુરક્ષા, કાયદાનું પાલન અને જાહેર માર્ગનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થવો જોઈએ. જખૌ બંદર તરફના માર્ગ પર પણ નિયમોનું પાલન કરાવવાની વ્યવસ્થા હોવી જોઈએ અને તે તમામ વાહનો માટે સમાન રીતે લાગુ પડવી જોઈએ.
જો મીઠાં ભરેલાં વાહનોની પાર્કિંગથી માર્ગ પર અવરજવર જોખમમાં મુકાતી હોય, તો તે અન્ય લોકો માટે જોખમ, અવરોધ અથવા અયોગ્ય મુશ્કેલી ઊભી કરે છે. જે માટે તે વાહનો પર મોટર વ્હીકલ એક્ટ ની જોગવાઈઓ અનુસાર કડક કાર્યવાહી કરું શકાય છે. પરંતુ આવી કાર્યવાહીઓ માત્ર ખેડૂત ને માછીમારો ન વાહનો ઉપર જ કરવામાં આવી છે, મીઠા ભરેલ વાહનો ઉપર કરવામાં આવી નથી. જે બાબત એક ઉચ્ચ કક્ષાએથી તપાસ ને લાયક છે.
કલમ 127 હેઠળ જાહેર સ્થળે લાંબા સમયથી બિનઉપયોગી અથવા બેદરકારીપૂર્વક છોડાયેલાં વાહનો તથા પ્રતિબંધિત સ્થળે પાર્ક કરાયેલાં વાહનોને દૂર કરવા માટેની જોગવાઈ ચોક્કસ શરતો હેઠળ લાગુ કરવામાં આવેલ છે, પરંતુ તેમની અમલવારી માત્ર આમ નાગરિકો ઉપર જ કરવામાં આવે છે, મીઠા ભરેલ વાહનોને તે જોગવાઈથી બાકાત રાખવામાં આવ્યો છે.
માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવાના કિસ્સામાં કલમ 3 અને 181 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. વાહનના પ્રકાર અને લાગુ પડતા નિયમો મુજબ લાઇટો, રિફ્લેક્ટર તથા રિફ્લેક્ટિવ માર્કિંગની યોગ્યતા તપાસવી પણ જરૂરી છે. રસ્તા પર યાંત્રિક ખામીના કારણે વાહન બંધ પડી જાય, તો લાગુ પડતા ડ્રાઇવિંગ નિયમો મુજબ ચેતવણી અને સલામતીની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ મહત્વપૂર્ણ બને છે.
જો મીઠાના પરિવહનથી હવામાં ધૂળના કણો ફેલાતા હોય અથવા આસપાસનાં તળાવો અને જમીનને નુકસાન થતું હોય, તો સક્ષમ પર્યાવરણ સત્તાવાળાઓ દ્વારા લાગુ પડતા પર્યાવરણ કાયદાઓ હેઠળ તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.
હાજીપીરથી જખૌ બંદર સુધીના માર્ગની આસપાસનાં ગામોના લોકો ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ નમ્ર પરંતુ સ્પષ્ટ રજૂઆત કરે છે કે આ સમગ્ર મામલાની સ્થળ પર તપાસ કરવામાં આવે. ચાર કિલોમીટર સુધી વાહનોની કતાર કાયમ માટે દૂર કરવામાં આવે. વાહનો કાયદેસર રીતે પાર્ક કરાયેલા છે કે નહીં અને તેના કારણે ટ્રાફિક તથા બંદર સંબંધિત સરકારી વાહનોને અવરોધ થાય છે કે નહીં તે તપાસવામાં આવે. મીઠાં ભરેલાં વાહનોની લાઇટો, બ્રેક લાઇટ, હેડલાઇટ, રિફ્લેક્ટિવ માર્કિંગ, તાડપત્રી અને દોરડાંની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવે. વાહનચાલકોનાં લાયસન્સ અને જરૂરી દસ્તાવેજો તપાસવામાં આવે. રસ્તા પર યાંત્રિક ખામીના કારણે ઊભાં રહેતાં વાહનો માટે સુરક્ષિત ચેતવણી અને તાત્કાલિક દૂર કરવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.
એસ.ટી. બસ સાથે થયેલી અથડામણ અને તેરા નજીક થયેલા જીવલેણ અકસ્માત અંગે ઉપલબ્ધ સત્તાવાર રેકોર્ડ તપાસવામાં આવે. જે માર્ગ અને વિસ્તાર પર વારંવાર મીઠાના વાહનો થી જોખમ ઊભું થતું હોય તો તેના કાયમી ઉકેલ માટે જરૂરી પગલાં લેવામાં આવે. સાથે જ, માર્ગની આસપાસનાં ગામોના તળાવો, કૂવાઓ અને ખેતીની જમીનની સ્થિતિનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવવામાં આવે. વાહનચાલકોને પીવાનું પાણી, સ્વચ્છતા અને આરામની સુવિધાઓ મળે તે માટે પણ સંબંધિત કંપની દ્વારા યોગ્ય આયોજન કરવું જોઈએ.
સ્થાનિક લોકોની માગ કંપનીનો વ્યવસાય બંધ કરાવવાની નથી. તેમની માગ એટલી જ છે કે કંપની કાયદા અને સુરક્ષાના નિયમો અનુસાર કામગીરી કરે, પોતાના વાહનો માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરે અને જાહેર માર્ગનો ઉપયોગ કરતા લોકોને મુશ્કેલી ન પડે તેની તકેદારી રાખે.
કાયદો દરેક નાગરિક અને કંપની માટે સમાન હોવો જોઈએ. જો નાના અને મધ્યમ વર્ગના લોકો, ખેડૂતો અને માછીમારો સામે નિયમોના ઉલ્લંઘન બદલ કાર્યવાહી થાય, તો લાગુ પડતા નિયમોનું ઉલ્લંઘન કરતા ભારે વાહનો સામે પણ નિષ્પક્ષ કાર્યવાહી થવી જોઈએ. કોઈ કંપનીને કાયદાથી ઉપર માનવી યોગ્ય નથી.
હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે રજૂઆતમાં જણાવવામાં આવેલી બાબતોની તપાસ ક્યારે થશે અને જખૌ બંદર તરફના માર્ગ પર સલામત અવરજવર સુનિશ્ચિત કરવા માટે કયા પગલાં લેવામાં આવશે?
સ્થાનિક માછીમારો, ખેડૂતો, વાહનચાલકો અને ગ્રામજનોને આશા છે કે ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ આ રજૂઆતને ગંભીરતાથી લેશે, સ્થળ તપાસ કરાવશે અને હકીકતોના આધારે યોગ્ય નિર્ણય કરશે. કારણ કે કોઈ પણ વ્યવસાયની પ્રગતિ મહત્વપૂર્ણ છે, પરંતુ તે પ્રગતિના કારણે સ્થાનિક લોકોની સુરક્ષા, પીવાનું પાણી, ખેતી, રોજગારી અને માનવીય ગૌરવ જોખમમાં ન મુકાય તેની ખાતરી કરવી પણ એટલી જ જરૂરી છે.