આ કોઈ બ્રાન્ડેડ ડિઝાઇનરનો ડ્રેસ નથી, આ છે કચ્છના રણની જત ફકીરાણી નિયાણી દીકરીઓના હાથનો જાદુ!
કચ્છના સફેદ રણમાં વસતા ફકીરાણી જત સમાજની અદભૂત કલા અને સંસ્કૃતિનો એક અદભૂત વીડિયો પાંજે કચ્છ જા વાવડ ગ્રુપ સામે આવ્યો છે.
વીડિયોમાં એક દીકરી જાંબલી કલરનો ડ્રેસ બતાવે છે. આ કપડું ભલે મશીનથી સિવેલું હોય, પણ તેના પરનું આખું ભરતકામ જત ફકીરાણી સમાજની મહિલાઓએ પોતાના હાથે કરેલું છે. એક-એક ટાંકો એટલો ઝીણો, બારીક અને કલરફૂલ છે કે જોનાર દંગ રહી જાય. આ કોઈ એક દિવસની કલા નથી, આ તો પેઢી દર પેઢી ચાલી આવતી તેમની વારસાગત કલા છે.
વીડિયો બનાવનાર બેન ખૂબ સુંદર વાત કહે છે – “ફકીરાણી સમાજમાં મોટાભાગે મહિલાઓ કેમેરા પર નથી આવતી, એટલે હું તેમના વતી આ પોશાક પહેરીને તમને બતાવું છું.” ત્યારબાદ તે બીજો ડ્રેસ, ગળાનો હાર, હાથની ચૂડીઓ બતાવે છે. દરેક વસ્તુમાં તેમની મહેનત અને સંસ્કૃતિ દેખાય છે.
આ વીડિયોમાં તેમના ઘર પણ બતાવ્યા છે, જેને તેઓ ‘પખા’ કહે છે. રણની વચ્ચે ઘાસ અને લાકડામાંથી બનેલા આ ઝૂંપડા જેવા ઘરો એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો છે.
આ ઘર બે લેયર વાળું હોય છે. ઉનાળામાં ગરમી ઓછી લાગે અને હવા આવે તે માટે બહારનું લેયર ખોલી નાખવામાં આવે છે, અને ઠંડી કે વરસાદમાં તેને બંધ કરી દેવાય છે. અંદર એકદમ વ્યવસ્થિત રીતે ખાટલા, કપડાં અને સામાન ગોઠવેલો હોય છે.
જીવન એકદમ સાદું, પણ કલા અને સંસ્કૃતિ કેટલી અમીર! આ કોઈ મોટા ફેશન ડિઝાઇનરની ડિઝાઇન નથી, આ તો રણની દીકરીઓના હાથની વર્ષોની મહેનત છે મીઠા!