કચ્છમાં બહારથી કોઈ ઘુસે નહીં તે માટે રણના માર્ગોને જેસીબીથી ખોદી નખાયા

હાલમાં કોરોનાની મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉનનો કડક અમલ થઈ રહ્યો છે. ત્યારે વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે એટલે એક સ્થળેથી અન્ય સ્થળે આવવા માટે પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ છે. તેમ છતા માદરે વતન આવવા માટે લોકો નીતનવા જોખમ ખેડી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ તંત્ર પણ ચાંપતી નજર રાખે છે.તેવામાં, કચ્છ બનાસકાંઠાના રણ વિસ્તારના મોમાયમોરા મઢુત્રાના રણ વિસ્તારમાંથી પસાર થતી કેનાલના માર્ગો પરથી વાહનોની અવરજવર થઈ રહી હોવાનું ધ્યાને આવતા પોલીસ કડક બની છે. રેન્જ આઈ.જી. અને પૂર્વ વિભાગના પોલીસ વડાની સુચનાથી આડેસર પી.એસ.આઈ. બી.વી.ચુડાસમા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા આઠ દિવસથી મુલાકાત લઈ જરૂરી સુચના આપી રહ્યા છે. સ્થાનિક આગેવાનો અને તલાટી તેમજ ગ્રામજનો પણ દેખરેખ રાખી રહ્યા છે.=અજાણ્યા શખ્શો કે અજાણ્યા વાહનો પર વોચ ગોઠવી દેવામાં આવી છે. તો આ રણની ચેક પોસ્ટ પર પોલીસ કર્મચારીઓ અને પોલીસ મિત્રોની નિમણુંક કરવામાં આવી છે. રણમાં પસાર થતા માર્ગોને જેસીબી વડે ખોદી નાખવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ દર્દીઓ કચ્છમાં ઘુસી ન આવે તે માટે સ્થાનિક અને તંત્ર સતત ઉજાગરા કરી રહ્યુ છે.