ભુજ શહેરમાં પ્રસવ પીડાથી કણસતી મહિલાને હાથલારીમાં બેસાડીને દવાખાને લઈ જવી પડી!

કચ્છમાં લોકડાઉનની સ્થિતિમાં એક તરફ લોકો માટે આવશ્યક સેવાઓની વ્યવસ્થા કરાઈ હોવાના મોટા મોટા દાવાઓ વહીવટી તંત્ર દ્વારા કરાઈ રહ્યા છે.આરોગ્ય વિભાગ પણ લોકોની તમામ પ્રકારની ઈમરજન્સી સારવાર ચાલું જ હોવાના બણગાં ફૂંકી રહ્યું છે. તેવી સ્થિતિ વચ્ચે આજે એક મહિલાને પ્રસવ પીડા ઉપડયા બાદ દવાખાને લઈ જવા માટે વાહન કે એમ્બ્યુલન્સ ન મળતા હાથલારીમાં બેસાડીને લઈ જવાની નોબત આવી હતી. વિડિયોમાં વ્યથા વ્યક્ત કરતા યુવાને જણાવ્યું હતું કે, તે ભુજની રામનગરીમાં રહે છે. તેણે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ફોન કર્યો હતો. પરંતુ યોગ્ય પ્રત્યુત્તર મળ્યો નહોતો કે એમ્બ્યુલન્સ પણ આવી નહોતી, પરિણામે તે આવી રીતે મહિલાને લઈને હોસ્પિટલ રોડ સ્થિત ખાનગી દવાખાને લાવ્યા હતા.=ગરીબો માટે કોઈ સુવિધા હોતી નથી. કચ્છના આરોગ્ય અને વહીવટી તંત્ર માટે શરમજનક એવી આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ટીકાનું કેન્દ્ર બની હતી. કરોડો રૂપિયાનો ખર્ચ અને કાગળ પર મોટા મોટા આયોજનો કર્યા પછી હકીકતમાં છેવાડાના માનવી સુધી તો સરકારી યોજનાઓનો કોઈ લાભ, સહાય કે મદદ પહોંચતી જ નથી, તે બાબત આ કિસ્સા પરથી સાબિત થઈ છે.