કચ્છમાં કોરોનાથી પ્રથમ મોત બાદ ૧૦ પોલીસમેનના સેમ્પલ લેવાયા

માધાપરના મૃતક જગદીશ સોનીને ચેપ કયાંથી લાગ્યો? તંત્ર ઊંધા માથે, માધાપર, ભુજ, જામનગર પછી હવે મુંબઈ તરફ તપાસ : કચ્છમાં વધુ એક શંકાસ્પદ દર્દી ૨૫ વર્ષીય યુવાનને કોરોનાના લક્ષણો : રેન્ડમ સેમ્પલની કામગીરી વેગવંતી મુંબઈથી આવેલા ૪૫ના સેમ્પલ લીધા

કોરોનાએ કચ્છમાં પ્રથમ ભોગ લીધો છે. માધાપરના ૬૨ વર્ષીય દર્દી જગદીશભાઈ સોનીનું ગઈકાલે સાંજે મોત નિપજયાની ઘટનાએ કચ્છમાં કોરોનાની ગંભીરતા વધારી દીધી છે. કોરોનાથી મૃત્યુ પામનારના અગ્નિ સંસ્કાર માટે પણ ખૂબ જ તકેદારી લેવી પડે છે. પરિવારજનો અને સ્વજનોની ગેરહાજરી વચ્ચે વહીવટીતંત્ર દ્વારા મૃતકના એક માત્ર પુત્ર તેમ જ ચાર કર્મચારીઓએ ખાસ કીટ પહેરીને ભુજની ખારી નદી સ્મશાન ગૃહમાં અગ્નિદાહ આપ્યો હતો. દરમિયાન માધાપરના મૃતકના જ પરિવારના બે મહિલા સદસ્યો પત્ની તેમ જ પુત્રવધુને પણ કોરોના પોઝિટિવ છે અને બન્ને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એ જોતાં તંત્ર વધુ એલર્ટ થઈ ગયું છે. દરમ્યાન મૃતક જગદીશભાઈને ફેફસાંનું ઇન્ફેકશન હતું, બ્લડ પ્રેસરની તકલીફ પણ હતી. જોકે, આ સોની પરિવારના ત્રણ સભ્યો કોરોનાગ્રસ્ત કેમ થયા એ જાણવા આરોગ્યતંત્ર ઊંધા માથે છે, મૃતકના કોરોનાગ્રસ્ત પુત્રવધુ પોતાના માવતરે ધ્રોલ ગયા હોવાની વાતને પગલે ધ્રોલમાંથી પણ સેમ્પલ લઈ તપાસ કરાઈ હતી. જોકે, એ તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા હોઈ અત્યારસુધીમાં માધાપર, ભુજ, ધ્રોલ, જામનગર સુધી તપાસ કરાયા બાદ મૃતકના પરિવારમાંથી કોઈ મુંબઈ ગયું હોવાના અથવા તો મુંબઈથી સંબંધી આવ્યા હોવાના સમાચારને આધારેઙ્ગ હવે મુંબઈ તરફ તપાસ લંબાવાઈ છે. તો, તકેદારીના ભાગ રૂપે મૃતક જયાં રહે છે ત્યાં માધાપરની ક્રિષ્ના સોસાયટી અને આસપાસના ત્રણ કીમી વિસ્તારને પહેલાથી જ સીલ કરી દેવાયો છે અને ગઈકાલે જ આરોગ્યતંત્ર દ્વારા માધાપરમાં ફરજ બજાવનાર ૧૦ પોલીસ કર્મીઓના સેમ્પલ લીધા છે. તો, ગઈકાલે વધુ એક શંકાસ્પદ દર્દીને કોરોના જેવા લક્ષણો દેખાતા ભુજની અદાણી જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની તપાસ અંતર્ગત મુન્દ્રા તાલુકામાં મુંબઈથી આવેલા ૪૫ જણાના સેમ્પલ રેન્ડમ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલ રાજકોટ લેબમાં મોકલવામાં આવ્યા છે.