ભુજના હબાયમાં સસલાંનો શિકાર કરી વન વિભાગ ટીમ પર ફાયરીંગ-પથ્થરમારો કરનારી શિકારી ગેંગ ઝડપાઈ

ભુજના હબાય નજીક મધરાત્રે દેશી બંદુકની ગોળીએ સસલાંનો શિકાર કરનારી ટોળકીને પધ્ધર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી છે. ત્રણ દિવસ અગાઉ શનિવારની રાત્રે આ બનાવ બન્યો હતો. સસલાંનો શિકાર કરનારી ટોળકી વનવિભાગની ટીમને જોઈ તેમના પર પથ્થરમારો કરી તેમજ હવામાં બે રાઉન્ડ ફાયર કરી અંધારામાં ફરાર થઇ હતી દિવસ-રાત લૉકડાઉનના બંદોબસ્તમાં રહેલી પોલીસ માટે આરોપીઓને શોધવા પડકારરૂપ કામ હતું. પીએસઆઈ વાય.પી.જાડેજાએ લોડાઈ રેન્જમાં પેટ્રોલીંગ વધારી શકમંદોને શોધવાનું શરૂ કર્યું હતું. બાતમીદારોને એક્ટિવ કર્યાં હતા. દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે બોલાડી ગામનો હયાત અબ્દુલ મંધરા (ઉ.વ.20) તેની દેશી બંદુક સાથે હબાયમાં શિકાર કરવા ગયો હતો. પોલીસે હયાતને દેશી બંદુક સાથે ઉપાડી લીધો હતો. પોલીસે હયાત ઉપરાંત ભુજના હંગામી આવાસમાં રહેતા રમજુ લતીફ ત્રાયા (મૂળ રહે. ગંઢેર, ભુજ) અને બોલાડીના કરીમ સાલેમામદ મંધરીયાની ધરપકડ કરી છે. ચોથો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હોઈ પોલીસે જૂવેનાઈલ એક્ટ તળે કાર્યવાહી કરી છે. ભુજનો રમજુ ત્રાયા અગાઉ કેબલચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે