રજીસ્ટ્રેશન કરાએલ વેપારીઓએ કચ્છમાં જણશીની હરાજી પ્રારંભ કરી

સામાજિક અંતર જાળવી જિલ્લામાં એપીએમસી માર્કેટનો પ્રારંભ કરાયો

નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ના પગલે જાહેર થયેલ રાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજ ગઇકાલથી કચ્છ જિલ્લાના તમામ માર્કેટયાર્ડો તા.૨૧/૪/૨૦૨૦ના રોજ સરકારશ્રીની માર્ગદર્શિકાની સૂચનાઓ મુજબ પ્રારંભ કરાયો છે. અનાજ માર્કેટયાર્ડમાં સોશિયલ ડીસ્ટન્સીંગ, સામાજિક અંતર જળવાય એ રીતે ખરીદ વેચાણની પ્રક્રિયા પ્રારંભ થઇ ચૂકી છે. કચ્છ જિલ્લા બજાર સમિતિ ભુજ, અંજાર, ભચાઉ અને રાપર ખાતેના માર્કેટયાર્ડોમાં પરમીશન બાદ હરાજીની પ્રક્રિયા પ્રારંભ થઇ છે. જે તે વેપારી અને દુકાનદારોએ સબંધિત માર્કેટયાર્ડ પાસેથી પાસ ઈસ્યુ કરી ખેતપેદાશો, જણશીની હરાજી પ્રારંભ કરી છે. બજાર સમિતિ મુન્દ્રા, માંડવી, નખત્રાણા અને કોઠારા ખાતે હરાજીની પ્રક્રિયા થતી નથી. આથી લોકડાઉનના સમયમાં ખેડૂતો પોતાનો માલ વેચી શકે તે માટે બજાર સમિતિના વેપારી, લાયસન્‍સ ધરાવતાં એકમો, કમીશન એજન્ટો તથા મજુરોની કલેકટર પાસ પરમીશનની પ્રક્રિયા બજાર સમિતિ દ્વારા પ્રારંભ કરી છે. સરદાર પટેલ માર્કેટ યાર્ડ એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ભુજ ખાતે ૪૦ રૂપિયા કિલોના ભાવે ૩૦૦ ગુણી એરંડાની હરાજી થઇ હતી જેનો ઓછામાં ઓછા રૂ.૧૩૯૪ અને વધુમાં વધુ ભાવ રૂ.૧૪૬૪ રહયો હતો અને વધુમાં વધુ ભાવ રૂ.૪૦ કિલોના ભાવે ૫૧ ગુણી રાયડો ઓછામાં ઓછા રૂ.૧૪૫૦ અને વધુમાં વધુ રૂ.૧૪૭૭ તેમજ ઈસબગુલની ૧૩૩ ગુણીની ઓછામાં ઓછી રૂ.૩૬૦૦ અને વધુમાં વધુ રૂ.૪૦૦૦ માં હરાજી થઇ હતી. એમ માર્કેટના સેક્રેટરીશ્રી શંભુભાઇ બરારીયાએ જણાવ્યું છે. આજે સરદાર પટેલ માર્કેટયાર્ડ ભુજ એપીએમસી ખાતે પ્રમુખશ્રી કેશુભાઇ પટેલની હાજરીમાં થયેલ હરરાજી સામાજિક અંતર જાળવીને વેપારીઓ, દુકાનદારો અને મંજુરો કામગીરી કરતાં જોવા મળ્યા હતા.