ભુજના મુસ્લિમ યુવાનોએ રકતદાન દ્વારા માનવતાની ઇબાદત સાથે પવિત્ર રમજાન માસની કરી ઉજવણી

પવિત્ર રમજાન માસ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે ભુજના મુસ્લિમ યુવાનોએ રકતદાન કરી માનવતાના કાર્ય સાથે પ્રેરણાદાયી પહેલ કરી. પવિત્ર રમજાન માસની ઈબાદતની શરૂઆત કરી છે. રકતદાન ક્ષેત્રે કાર્યરત ભુજની સક્ષમ સંસ્થા દ્વારા કચ્છના ૫૦૦ જેટલા થેલેસેમિયાગ્રસ્ત બાળ દર્દીઓને સતત લોહીની જરૂર પડતાં રકતદાન માટે અપીલ કરાઈ હતી. સંસ્થાનાઙ્ગ સાજીદ મેમણ દ્વારા રકતદાન માટે ભુજ કચ્છી મેમણ જમાતના પ્રમુખ હાજી હનીફ મેમણનો સંપર્ક કરાતા તેમણે મેમણ સમાજના ૨૦ જેટલા યુવા રકતદાતાઓને રકતદાન કરવા માટે મોકલ્યા હતા. સાથે બાહેંધરી આપી છે કે હજુ ઈમરજન્સી સેવા માં રકત ની જરૂર પડશે તો સમાજ ના યુવા રકતદાતાઓ ચોક્કસ થી રકતદાન કરવા માટે તત્પર રહેશે. લોકડાઉનની પરિસ્થિતિમાં અત્યારે ભુજ કચ્છી મેમણ સમાજ દ્વારા સવાર સાંજ મળીને દરરોજ ૧૦૦૦ જેટલા ટિફિન ગરીબ નિરાધાર લોકોને પહોંચાડવામાં આવે છે. સમાજના આગેવાનોએ રમજાન માસ દરમ્યાન સ્વેચ્છાએ રકતદાન કરવા મુસ્લિમ બિરાદરોને અપીલ કરી છે. આ કાર્યમાં મેમણ સમાજના યુવાનો ભશીર મેમણ, શકીલ મેમણ, મોહસીન મેમણ, અલ્તાફ મેમણ, સુમેર મેમણ અને જીવન જયોત બ્લડ બેંકના રમણીક પટેલ સહયોગી બન્યા હતા.