અંજારમાં ઇફકોની મદદથી રાજ્યમંત્રી દ્વારા લોકોને રાશનકીટનું વિતરણ કરાયું

    કોરોના વાયરસના પગલે લોકડાઉન છે. લોકો ઘરની બહાર નીકળી શકતા નથી ત્યારે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોની હાલત કફોડી બની છે તેવા સમયે ખરેખર સામાજીક સંસ્થાઓ આર્શિવાદરૂપ સમાન છે. મોટી માત્રામાં સામાજીક સંસ્થાઓ અને ઉદ્યોગ જગત લોકોની મદદ માટે આગળ આવ્યું છે. ઇફકોની મદદથી અંજારમાં રાજ્યમંત્રીએ જરૂરીયાતમંત લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓની રાશનકીટ વિતરણ કરી હતી. નોવેલ કોરોના વાયરસ ના સંક્રમણ સામે તકેદારી અને નિયંત્રણ માટે અંજારના વિવિધ વિસ્તારની મંત્રી વાસણભાઇ આહીરે રૂબરૂ મુલાકાત લીધી અને ઇફકોના સહયોગથી જીવન જરૂરિયાત માટેની વસ્તુઓની કિટનુ વિતરણ કર્યું.  વહિવટી અધિકારીઆને જરૂરી સૂચન કર્યા તેમજ નાગરીકો અને અગ્રણીઓને સમજણ આપી અને સ્થળ નિરીક્ષણ કરી નોવેલ કોરોના વાયરસ અન્વયે તકેદારી રાખવા જરૂરી સુચનાઓ આપી હતી. કોરોના વાઇરસના સંક્રમણને દેશભરમાં તેમજ રાજ્યમાં ફેલાતો અટકાવવા માટે આપ સૌને સાથ અને સહકાર આપવાની અપીલ કરી કે આપ સૌ લોકો પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળવું અને આવશ્યક હોય તો જ ઘરની બહાર નિકળવું અને આરોગ્ય વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંબંધિત અપાયેલ સુચનોનો અમલ કરી તંત્રને મદદરૂપ થવા સૌને નમ્ર અપીલ કરી હતી.