રાજકોટ: હેરોઈનનું પગેરું રાજસ્થાન સુધી પહોંચ્યું

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ બે દિવસ પહેલાં દરોડો પાડી રૂા.3.30 લાખના હેરોઈનના જથ્થા સાથે કોઠારિયા રોડ પર માસ્તર સોસાયટી પાસેથી ઈમરાન અને તેની પત્ની ફાતમાને પકડી લીધા બાદ પૂછપરછ હાથ ધરતાં તેમને આ હેરોઈન જંગલેશ્ર્વરની નામચીન મહિલા સલમા ઉર્ફે ચીનુડી અને તેનો સાગ્રીત ઈમ્તિયાઝ ઉર્ફે ભૂરો ઓસમાણ હેરજા આપી ગયાની કબૂલાત આપી હતી. આ પછી પોલીસે સલમા ઉર્ફે ચિનુડી અને તેના સાગ્રીત ઈમ્તિયાઝને પકડી લીધા હતા.આ પછી તેની પ્રાથમિક પૂછપરછમાં એવો ખુલાસો થયો હતો કે આ જથ્થો તે રાજસ્થાનની લાવ્યા છે. વધુ વિગતો મેળવવા પોલીસે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કર્યા હતા પરંતુ આરોપી સલમા ઉર્ફે ચિનુડીના વકીલે એવી દલીલ કરી હતી કે અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે અને આરોપી મહિલાને દોઢ વર્ષનો પુત્ર હોવાથી તેને લાંબા સમય સુધી રિમાન્ડ ન આપવા જોઈએ. કોર્ટે તેની આ દલીલ ગ્રાહ્ય રાખી રિમાન્ડ નામંજૂર કરીને જેલહવાલે કર્યા હતા.