અંજાર પોલીસ મથકેથી વરસાણા ગામે રહેતા 32 વર્ષીય જુબેર તમાચી હિંગોરજાની ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ તા. 14/5ના સાંજે 6 વાગ્યાના અરસામાં હાઇવે પર આવેલી વિરાત્રા હોટલ નજીક ફરિયાદી ફ્રુટ લેવા ગયા હતા જ્યાં ચાની હોટલમાં નાની ચિરઈનો એક અજાણ્યો ઈસમ હોટલ વાળા ખમ્મારામ સાથે કઈક બોલી રહ્યો હતો. જે શું બોલી રહ્યો હતો તેવું પૂછતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ભેઠ માંથી છરી કાઢી ફરિયાદી પર વાર કર્યો હતો પરંતુ ફરિયાદીએ તેને પકડી લેતા જમણા હાથમાં લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ તેના સંબંધી મીરમામદ, ગફુર, નાસીર, ઝહીર મામદ, આયુબ, અનવર તમાસી, લાખા શકુ તથા અસલમને ફોન કરી બોલાવી લીધા બાદ આરોપીએ પણ નાની ચરઈમાં ફોન કરી પોતાના માણસોને બોલાવી લેતા અલ્ટો તેમજ અન્ય વાહનો મારફતે મુસા જુસબ વીરા, હુસેન, ઇકબાલ જુસબ વીરા, મુસા જુણેજા, ઇકબાલ જુણેજા, રફીક હનીફ, હનીફ વીરા, કરીમ, ઓસાળો ભટી, બબો હાસમ, ગુડો જુણસ, અનવર વીરા અને અન્ય 10થી 15 જેટલા લોકો લાકડી, તલવાર, ધોકા વગેરે લઈ આવી ફરિયાદી અને તેના સંબંધીઓને મારવા લાગ્યા હતા. જેમાં ફરિયાદીને માથાના ભાગે ધારીયું લાગતા ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેમજ ફરિયાદના સંબંધીઓ પણ ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.