લોકડાઉનની સ્થિતિ વચ્ચે પ્રતિબંધિત એવી તમાકુને સંલગ્ન માલસામગ્રીની હેરફેર અને વેચાણ બાબતે પોલીસે નખત્રાણા તાલુકાના આણંદસર અને કોટડા-જડોદર તથા ભુજ શહેરમાં કાર્યવાહી હાથ ધરીને ત્રણ જણને પકડયા હતા. પોલીસ સાધનોએ આપેલી માહિતી અનુસાર આણંદસર ગામે રોહિત સ્ટોર નામની દુકાન ધરાવતા રોહિતકુમાર રમણીકલાલ ઠક્કર નામના વેપારીને નખત્રાણા પોલીસે ગઇકાલે પકડયો હતો. આરોપી પાસેથી બીડી અને તમાકુ સહિતની રૂા. 10,823ની માલસામગ્રી કબ્જે લેવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેકટર શ્રી રાઠોડે વેપારી સામે ગુનો દાખલ કરાવ્યો હતો. બીજી બાજુ નખત્રાણા તાલુકામાં જ કોટડા (જડોદર) ગામે તમાકુ અને પાનમસાલા સંલગ્ન માલસામગ્રીના વેચાણ ઉપર પાબંધી હોવા છતાં આવો જથ્થો રાખીને તેનું ખાનગીમાં વેચાણ કરવાના મામલે ગામના શાંતિલાલ ઉર્ફે પપિયો રામપુરી ગુંસાઇ અને દિનેશ મૂળજીભાઇ પોકાર પટેલને પકડાયા હતા. આ બન્ને પાસેથી રૂા. 4520ની માલસામગ્રી કબ્જે કરી તેમની સામે ગુનો નોંધાયો હતો, તેમ પોલીસે જણાવ્યું હતું. જ્યારે ભુજમાં જ્યુબિલી મેદાન ચકરાવા નજીકથી જશવંત હીરાલાલ જોશીને રૂા. 557ની કિંમતના બીડીના જથ્થા સાથે સ્થાનિક પોલીસે પકડી પાડી તેમની સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, તેમ પોલીસે ઉમેર્યું હતું.’