ડુમરામાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દેવાયાની ફોજદારી

અબડાસામાં ડુમરા ગામની સીમમાં રહેતી તરુણ વયની એક કન્યાના અપહરણ બાદ તેની સાથે શરીર સંબંધ બાંધી તેને ગર્ભવતી બનાવી દેવાઇ હોવાનો મામલો દુષ્કર્મની ફરિયાદના સ્વરૂપમાં પોલીસ દફતરે ચડયો છે.પોલીસ દફતરેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભોગ બનનારી કન્યાના માવિત્રોએ આ મામલે મૂળ છોટાઉદેપુર જિલ્લાના વતની કિશન નંદુ નાયકા સામે બળાત્કાર સહિતની કલમો તળે ફોજદારી ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદમાં લખાવાયા અનુસાર છ મહિના પહેલાં કન્યાને લગ્ન કરવાની લાલચ આપીને આરોપી કિશન નાયકા ઉઠાવી ગયો હતો. આ પછી તેને વિવિધ સ્થળે લઇ જઇને તેણે કન્યા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ કૃત્યના કારણે કન્યાના પેટમાં હાલે છ માસનો ગર્ભ હોવાની વિગતો ફરિયાદમાં લખાવાઇ છે. કોઠારા પોલીસે વિધિવત ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવા સાથેની આગળની કાર્યવાહી હાથ ધરી છે.