કંડલા. પોર્ટ દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા ખાતે ટ્રકોનો ધમધમાટ લોકડાઉનના સમયે પણ ચાલુજ રહ્યો હતો. અલબત, આટલા સમય સુધી આવશ્યક સુવિધાઓની કેટેગરીમાં આવતી વસ્તુઓનું વહન વધુ પ્રમાણમાં થઈ રહ્યું હતું, પરંતુ ગત બે સપ્તાહથી દરેક પ્રકારનો કાર્ગોનું ઈમ્પોર્ટ, એક્સ્પોર્ટ ચાલુ રહ્યું હોવાથી તેનું આવા ગમન સતત ચાલી રહ્યું છે. જેથી રોજ પોર્ટથી આવન અને જાવનમાં બહોળી સંખ્યામાં ટ્રક, ટ્રેઈલર અને ડમ્પરોને જોઇ શકાય છે. પરંતુ પોર્ટ સુધીના માર્ગમાં આવતા ત્રણ જેટલા ફાટકો હજી પણ ટ્રેડ માટે બાધારુપ બની રહ્યા છે. રોજ અહી આવેલા ફાટકોની આસપાસ મોટા પ્રમાણમાં ટ્રાફીક જામ થઈ રહ્યું છે. જ્યારે કે 2016માં દેશના પ્રધાનમંત્રીના હસ્તે 996 કરોડના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું શીલાન્યાસ કરાયું હતું, જેમાં કંડલાના ઓવરબ્રીજ પણ સામેલ છે. પરંતુ તેનું કામકાજ હજી પણ પરવાનગીઓ અને પ્રક્રિયાઓ વચ્ચે ફસાયેલું છે.