પદ્ધરમાં મૃત્યુનો ભય બતાવી જમીન પચાવી પાડવાના આક્ષેપમાં આરોપીના જામીન મંજૂર

ભુજ તાલુકાના પદ્ધર ગામે મૃત્યુનો ભય બતાવી જમીન પચાવી પાડયાના આક્ષેપોને પાયા વિહોણા માનીને આ કેસના આરોપીના તેમજ અન્ય એક કિલો ચારસો ચાલીસ ગ્રામ ગાંજાના ચકચારી પ્રકરણના પિતા-પુત્ર એવા આરોપીમાંના પિતાના નિયમીત જામીન અધિક સેશન્સ જ્જે મંજૂર કર્યા છે. પદ્ધર જમીન કેસની ટૂંક વિગત મુજબ આરોપી ડાયા વેલા કોઠીવાર (રહે. પદ્ધરવાળા)એ ગામના સર્વે નં. 391 ઉપર દબાણ કર્યાનો આક્ષેપ મૂકીને ફરિયાદી મિતલ અનિલ શાહની ફરિયાદ પરથી ફોજદારી કેસમાં આરોપીની ધરપકડ થઇ હતી. તપાસ અધિકારી દ્વારા મૃત્યુનો ભય દેખાડી જમીન પચાવા બાબતે આઇ.પી.સી.ની કલમ 386નો ઉમેરો કર્યો હતો. આમ કલમ મુજબ 10 વર્ષ સુધીની સજાની જોગવાઇવાળી ભારે કલમ લગાડી હતી. સામાન્ય રીતે પોલીસ તરફથી એવી માન્યતા છે કે, જો 10 વર્ષ સુધીની સજાનો આક્ષેપ હોય તો તે કલમમ બિનજામીન પાત્ર અને એડી. ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ તાત્કાલિક જામીન મુક્ત કરી શકે નહીં. પરંતુ આ કિસ્સામાં ફરિયાદી અને આરોપી વચ્ચે સ્પેશિયલ દીવાની દાવો સિવિલ કોર્ટમાં ચાલુ હોવાની બાબત ધ્યાને આવતા પ્રથમ દર્શનીય રીતે આઇ.પી.સી.ની કલમ 386 એટલે કે, મૃત્યુનો ભય બતાવી જમીન પચાવવાના આક્ષેપ પાયા વિહોણા હોવાનું માનીને અધિક ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટે આરોપીના જામીન મંજૂર કર્યા હતા. આરોપી પક્ષે સંતોષ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય તથા હરીશ એસ. આહીર વકીલ તરીકે હાજર રહી દલીલો કરી હતી. દરમ્યાન ગાંજાના ચકચારી પ્રકરણની ટૂંક વિગત મુજબ આરોપીઓ મામદ હુશેન ઉર્ફે દદુ જુશબ ખારાવાળાએ પોતાના પિતા આરોપી એવા જુશબ ઉર્ફે ગુરખો આમદ ખારાવાળાના કબજાના રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજો એક કિલો 420 ગ્રામ વેચાણ અર્થે રાખ્યો હોવાથી પોલીસ દરોડા દરમ્યાન જુશબ ઉર્ફે ગુરખો આમદ સ્થાનિકે હાજર મળી આવ્યો ન હતો. પોલીસે એક બીજાને મદદગારી કરી ગુના કર્યા બાબતની ફરિયાદ નોંધી હતી. આરોપીને જ્યુડિશીયલ કબજે કરી દેવામાં આવ્યા હતા. આરોપી અરજદાર જુશબ આમદ ખારાવાળાએ અધિક સેશન્સ જ્જ સમક્ષ નિયમિત જામીન અરજી કરતા વીડિયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી હાથ ધરી આરોપી જુશબના જામીન મંજૂર કર્યા હતા. આરોપી તરફે વીડિયો કોન્ફરન્સ દ્વારા સિનિયર એડવોકેટ હેમસિંહ સી. ચૌધરી, દીપક ઉકાણી તથા કુલદીપ મહેતા હાજર રહી દલીલો કરી હતી