બોલો, ભુજ પાલિકામાં ડબલ પગારનો કારસો રચાયો

ભુજ. ભુજ નગરપાલિકામાં ફિક્સ વેતનથી કામ કરતા બે કર્મચારીઓએ વસ્તી ગણતરીની વધારાની કામગીરી નહોંતી કરી છતાં પગાર બિલ ફટકાર્યુ હતું. પરંતુ, એકાઉન્ટ વિભાગે કારસો પકડી પાડ્યો હતો, જેમાં સોગઠી ગોઠવનારાએ બંને બાજુથી પગાર વસુલ્યાનું ખુલ્યું હતું, જેથી રિકવરીના ઓર્ડર થયા છે. પ્રાપ્ત વિગતો મુજબ હેન્સી ભાનુશાલી અને નિમીશ ગોર ભુજ નગરપાલિકામાં ફિક્સ વેતન નોકરી કરે છે. 
જેમને લોક ડાઉન પહેલા વસ્તી ગણતરીને વધારાની કામગીરી સોંપાઈ હતી. પરંતુ, લોક ડાઉન જાહેર થતા વસ્તી ગણતરીની કામગીરી બંધના ઓર્ડર થયા હતા. જે બાદ લોક ડાઉનના ત્રીજા તબક્કામાં ભુજ નગરપાલિકાની કચેરી ખુલ્લી હતી. જોકે, વસ્તી ગણતરીની કામગીરી પુન: શરૂ કરવાનો ઓર્ડર થયો ન હતો. આમ છતાં બંને કર્મચારીઓએ પગાર બિલ ફટકાર્યું હતું, જેમાં એજન્સી અને ભુજ નગરપાલિકા એમ બંને પાસેથી પગાર વસુલાયાનો ભાંડો ફૂટ્યો હતો.