સરકારી હોસ્પિટલો ભરાય પછી ખાનગી હોસ્પિટલ્સમાં સરકારી ખર્ચે દર્દીઓની સારવાર થશે: નાયબ મુખ્યમંત્રી

 

ગુજરાતમાં બે મહિનામાં લગભગ ૧૨ હજાર કરતાં વધુ દર્દી અને સાડા સાત સો કરતાં વધુ સારવાર હેઠળના દર્દીઓના કોરોના વાયરસના સંક્રમણને લીધે મૃત્યું થયા છે. હવે લોકડાઉન-૪નો અમલ શરૂ થયો છે ત્યારે ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને રાખીને સરકારે જરૂર મુજબ ૪૨ ખાનગી હોસ્પિટલોની ૫૦ ટકા પથારી કોવિડ-૧૯ ના દર્દીઓની સારવાર માટે હસ્તગત કરવાનો નિર્ણય કર્યો છે. જોકે, તેમણે એક સ્પષ્ટતા કરી હતી કે, હાલ તો સરકાર તેની હોસ્પિટલોમાં જ દર્દીઓને રાખશે, પરંતુ ભવિષ્યમાં જરૂર પડશે તેમ તેમ ખાનગી હોસ્પિટલોમાં સરકારી ખર્ચે સારવારનો પ્રબંધ અત્યારથી કર્યો છે.

એક સપ્તાહ પહેલાં કોરોનાના સંદર્ભમાં રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-૧૯ દર્દીઓ માટે શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ થાય એની વ્યવસ્થા માટે નિયુક્ત કરાયેલા અધિક મુખ્યસચિવ પંકજકુમાર અને આરોગ્ય વિભાગના અગ્રમુખ્યસચિવ ડો. જયંતિ રવિએ અસારવા મેડિસિટી કેમ્પસમાં આવેલી યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓ માટે સારવારની સુવિધા ઊભી કરવાની કામગીરીનું ગયા સપ્તાહે નીરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. આજે આ હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં લગભગ ૫૦૦ બેડની ક્ષમતાના પ્રથમ ચરણમાં ૨૨૮ બેડની હોસ્પિટલનું નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે નિરીક્ષણ કર્યું હતું.

આ પ્રસંગે પટેલે કહ્યું કે, હાલ યુએન મહેતા હોસ્પિટલના આ નવા બિલ્ડીંગમાં ૨૨૮ દર્દીઓને સારવાર માટેની તમામ સુવિધાઓ, ઓક્સિજન પોઇન્ટ્સ, આઇસીસીયુ, વેન્ટીલેટર અને ડાયાલીસીસ જેવી સુવિધાઓ ઊભી કરી દેવામાં આવી છે. બિલ્ડીંગના બાકીના બે માળ પણ એક સપ્તાહમાં તૈયાર થઇ જશે. હોસ્પિટલના નિયામક ડો. આર.કે. પટેલ અને એમની ટીમે તમામ જરૂરી વ્યવસ્થા ઊભી કરી દીધી છે.

તેમણે કહ્યુ કે, અમદાવાદમાં સૌથી વધારે સંક્રમણના કેસ છે ત્યારે ૧૨૦૦ બેડની હોસ્પિટલ ઉપરાંત, સોલા મેડિકલ કોલેજ, એસવીપી હોસ્પિટલ મળી બે હજારથી વધારે બેડ કોવિડ દર્દીઓ માટે ઉપલબ્ધ છે. હવે આ ઉપરાંત કિડની અને કેન્સર હોસ્પિટલમાં વધારાના બેડ તૈયાર થઇ રહ્યા છે. આ ઉપયોગમાં લેવાયા પછી પણ દર્દીઓની સંખ્યા વધે તો ૪૨ ખાનગી હોસ્પિટલના ૫૦ ટકા બેડ સરકારી વ્યવસ્થ સાથે ઉપયોગમાં લેવાનું નક્કી કરાયું છે. એમાં ખાનગી હોસ્પિટલમાં ૫૦ ટકા બેડનો ખર્ચ સરકાર ચુકવશે. બાકીના બેડ જે તે હોસ્પિટલ અન્ય ખાનગી દર્દીઓને સરકારે નિયત કરેલા દરે સારવાર માટે દાખલ કરી શકે એવી છુટ રાખી છે