ભચાઉ તા.માં પાંચ વર્ષની બાળકી પર પાશવી બળાત્કારથી ચકચાર

.
ભચાઉ તાલુકાના યશોદાધામ નજીક એક સોસાયટીમાં પોતાના ઘર પાસે રમતી પાંચ વર્ષની બાળકીને એક શખ્સે બાવળની ઝાડીમાં ખેંચી જઇ તેના ઉપર પાશવી બળાત્કાર ગુજારતાં ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ યશોદાધામ નજીક આવેલી સોસાયટીમાં આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. પરપ્રાંતીય એવા શ્રમિક પરિવારની ફૂલ જેવી પાંચ વર્ષની બાળકી પોતાના ઘર નજીક રમી રહી હતી ત્યારે એક અજાણ્યા શખ્સે આ બાળકીને પકડી પાડી તેને બાવળની ઝાડીમાં લઇ ગયો હતો જ્યાં તેણે આ બાળકી સાથે જઘન્ય કૃત્ય આચર્યું હતું. આ પાશવી કૃત્ય બાદ નરાધમ શખ્સ નાસી છૂટયો હતો. બાળકી રડતાં-રડતાં ઘર પાસે પહોંચતાં ગંભીર રીતે ઘવાયેલી આ બાળકીને સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ લઇ જવાઇ હતી, જ્યાં તેની સારવાર ચાલુ કરવામાં આવી હતી.પોલીસે આ બાળકીના પરિવારજનોના નિવેદનો વગેરે લઇ ફરિયાદ નોંધવા તથા આવું પાશવી કૃત્ય કરનારા નરાધમ શખ્સને પકડી પાડવા દોડધામ આચરી હતી. કોરોનાની મહામારી વચ્ચે જિલ્લામાં આવા બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી. મોડી રાત સુધી આરોપી શખ્સ પોલીસના હાથમાં આવ્યો ન હતો જેને પકડી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે.’