લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે કોમી એકતા ડહોળવાનો પ્રયાસ કરનારી હરકત કરનારા નખત્રાણા તાલુકાના મોટી વેડહાર ગામના વિક્રમાસિંહ સવાઇસિંહ સોઢાની પાસા હેઠળ ધરપકડ કરીને પોલીસે તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લા દ્વારા વિક્રમસિંહ સોઢાની પાસાની દરખાસ્ત તૈયાર કરાઇ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેને મંજૂર કરાતાં સ્થાનિક ગુનાશોધક શાખાએ આજે આ યુવાનની પાસા તળે ધરપકડ કરી હતી. આ પછી તેને પહેરા તળે સુરત ખાતેની લાજપોર મધ્યસ્થ જેલમાં મોકલી અપાયો હતો. સત્તાવાર સાધનોએ આ વિશેની વિગતો આપતાં જણાવ્યું હતું કે આરોપી વિક્રમસિંહે તાજેતરમાં ઘરબંધીના સમયગાળા દરમ્યાન કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય અને કોમી એકતાને હાનિ પહોંચે તેવી હરકતો સાથેની ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. આ બાબતે નિરોણા પોલીસ મથકમાં વિધિવત ગુનો પણ દાખલ કરાયો હતો. તો તેની સામે વર્ષ 2018માં હત્યાના પ્રયાસનો ગુનો પણ નખત્રાણા પોલીસ મથકમાં નોંધાયેલો છે.