ભુજની સનસનીખેજ લૂંટમાં પડોશી પતિ-પત્ની આરોપી નીકળ્યા : નાણાંકીય તંગી થકી કૃત્ય આચર્યું

ભુજ, શહેરમાં નવી ઉમેદનગર કોલોની ખાતે 74 વર્ષની વયના દમયંતીબેન કરશન સોલંકી નામના વૃદ્ધાના ઘરમાં ઘૂસીને તેમના ઉપર ફિલ્મીઢબે હુમલો કરવા સાથે દાગીનાની લૂંટ થવાના કેસનો તાગ પોલીસે મેળવી લીધો છે. આ પ્રકરણમાં પડોશમાં રહેતા પતિ-પત્ની અને તેમના સાગરીતની ધરપકડ કરવામાં આવી છે.’ ગત સોમવારે ઢળતી બપોરે બનેલી આ ઘટનામાં પોલીસે હાથ ધરેલી સર્વગ્રાહી તપાસ દરમ્યાન કેટલાક માથાં શંકામાં આવ્યાં હતાં. આ પછી કડીબદ્ધ પગલાં લેવા સાથે શહેર એ. ડિવિઝન પોલીસ દ્વારા ભોગ બનનારા દમયંતીબેન સોલંકીની બાજુમાં જ રહેતા ચિરાગ ભૂપતભાઇ મકવાણા અને તેની પત્ની કૃપા ચિરાગ મકવાણા ઉપરાંત તેમના મદદકર્તા ધૈર્ય મનીષભાઇ પરમારની ધરપકડ કરી હતી. સત્તાવાર સાધનોએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે ત્રણેય તહોમતદારની વિધિવત ધરપકડ બાદ લૂંટમાં ગયેલા દાગીના હસ્તગત કરવા માટે રિમાન્ડ સહિતની આગળની કાયદાકીય કાર્યવાહી માટેના ચક્રો ગતિમાન કરાયાં છે. પોલીસ તપાસમાં બહાર આવેલી માહિતી મુજબ છેલ્લા બે મહિનાથી લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે કોઇ કામધંધો ન હોવાથી ચિરાગ મકવાણા અને તેની પત્ની કૃપા આર્થિક ખેંચમાં રહેતા હતા. નાણાંભીડ દૂર કરવા માટે તેમણે દમયંતીબેનને લૂંટવાનો કારસો ઘડીને તેને અંજામ આપ્યો હતો. બનાવવાળા દિવસે પહેલા પાણી ભરી આપવાના બહાને પડોશીના નાતે કૃપા દમયંતીબેનના ઘરમાં ગઇ હતી અને ઘરમાં અન્ય કોઇ ન હોવાની ખાત્રી કરાયા બાદ કૃત્યને અમલમાં મુકાયું હતું. ભોગ બનનારા વૃદ્ધાના ઘરમાં કૃપા ગઇ હતી અને તેણે જ પાછળથી હુમલા સાથે વૃદ્ધાને બાથરૂમમાં બંધ કરી નાખ્યા હતા. ચિરાગ અને મનીષ આ સમયે ઘરના દરવાજે ચોકી કરવામાં પ્રવૃત્ત હતા તેવું પણ તપાસમાં બહાર આવ્યું છે તેમ પોલીસે ઉમેર્યું હતું. નાયબ પોલીસ અધીક્ષક જે.એન.પંચાલના માર્ગદર્શન તળે કેસના તપાસનીશ ઇન્સ્પેકટર એમ.આર.બારોટ સાથે સ્ટાફના રાજેશભાઇ જોશી, કિશોરાસિંહ જાડેજા, મહેશ વાળા, નારાણ ગઢવી, મયૂરાસિંહ જાડેજા, સુરેન્દ્રાસિંહ ઝાલા ઉપરાંત સ્થાનિક ગુનાશોધક શાખાના ઇન્સ્પેકટર એમ.આર. ગોંડલિયા અને ફોજદાર એસ.જી. રાણા સાથે તેમના સ્ટાફના નરેન્દ્ર યાદવ, મહિપાલ પુરોહિત વગેરે આ ગુનાશોધન કાર્યવાહીમાં જોડાયા હતા.’ દરમ્યાન આ પ્રકરણને લઇને એક પત્રકાર પણ વિવાદમાં આવીને પોલીસના દફતરે ચડયા છે. પકડાયેલા આરોપીઓના ફોટા પાડવા માટે ગયેલા આ પત્રકારે તમે નિર્દોષને પકડયા છે અને હું તમારું છાપીશ વગેરે ઉચ્ચારણો સાથેનું વર્તન ફરજ ઉપરના સ્ટાફ સાથે કરતાં બાદમાં આ બાબતે પી.આઇ.ને વાકેફ કરાતાં આ વિશે પોલીસ મથકની સ્ટેશનની ડાયરીમાં વિધિવત એન્ટ્રી કરાઇ હતી.