લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલ કચ્છ નશાબંધી અધિકારીના ઘરમાંથી 7.84 લાખ રોકડા–ચાંદીના ત્રણ બિસ્કિટ મળ્યા

નશાબંધી અને આબકારી ખાતાની કચેરીમાં ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા એ . એમ પરમાર ગુરૂવારે રૂપિયા બે હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા . દરમિયાન આરોપીના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા તેમાથી રોકડા રૂપિયા 7 લાખ 84 હજાર 750 મળી આવ્યા છે .સાથે ચાદીના 50 ગ્રામના 3 બિસ્કીટ પણ મળ્યા છે .ભુજની નશાબંધી અને આબકારી ખાતાની કચેરીમાં દારૂની પરમીટ રીન્યુ કરવા માટે 2 હજારથી 5 હજાર સુધીની રકમની લાંચ પેટે માંગવામાં આવતી હોવાની ફરિયાદને આધારે એસીબી દ્વારા સફળ કરવામાં આવી હતી . જેમાં મૂળ મહેસાણાના નશાબંધી અધિક્ષક અને ભુજના ઈન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ એ . એમ . પરમાર અરજદાર પાસેથી રૂપિયા બે હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપાયા હતા . આ લાંચ કેસની તપાસ પૂર્વ કચ્છ એસીબી પી . આઈ પી . કે પટેલ ચલાવી રહ્યા છે . લાંચનો કેસ હોવાથી ઝડપાયેલા અધિકારીના ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ . મહેસાણા એસીબીની ટીમ દ્વારા લાંચ લેનાર અધિકારીના ઘરમાં તપાસ હાથ ધરાઈ હતી .