માંડવીના મેરાઉમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવતીનો પ્રેમીની પત્ની પર છરી વડે હુમલો.
માંડવી તાલુકાના મેરાઉ ગામે પડોશી યુવકના એકતરફી પ્રેમમાં પાગલ યુવતીએ યુવકના અન્ય યુવતી જોડે લગ્ન થઈ જતાં રોષે ભરાઈને તેની પત્ની પર છરી વડે હુમલો કર્યો છે. બનાવ રવિવારે બપોરે અઢી વાગ્યાના અરસામાં બન્યો હતો.હુમલામાં ઘાયલ 23 વર્ષિય રસીલાબેન માતંગ નામની યુવતી હાલ ભુજ જી.કે. જનરલમાં સારવાર હેઠળ છે. રસીલાએ બનાવ અંગે પડોશમાં રહેતી કૌશલ્યાબેન D/o જગદીશભાઈ કન્નડ નામની યુવતી સામે માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.મુંદરાના ભુજપુરની રસીલા મહેશ્વરીના 8 મહિના અગાઉ મેરાઉ ગામે રહેતાં કાન્તિ કાનજીભાઈ માતંગ જોડે લગ્ન થયા હતા. આઠ દિવસ અગાઉ તે ઘરના આંગણામાં રસોઈના વાસણો ધોતી હતી ત્યારે પડોશમાં રહેતી કૌશલ્યા નામની યુવતી તેની પાસે આવી હતી. કૌશલ્યાએ રસીલાને કહ્યું હતું કે ‘મેં તને દોઢ વર્ષ અગાઉ ફોન કરી કાન્તિ જોડે લગ્ન કરવા ના પાડેલી. તો પણ તે કેમ લગ્ન કર્યાં? હું તેને પ્રેમ કરું છું. તને મારીશ’ કૌશલ્યાની વાતને રસીલાએ અવગણી દીધી હતી. દરમિયાન, રવિવારે બપોરે અઢી વાગ્યે રસીલા ઘરના ઝાંપા પાસે એકલી બેસી હતી ત્યારે કૌશલ્યા છરી સાથે ધસી આવી હતી. કાન્તિ જોડે લગ્ન કરવા મુદ્દે ઝઘડો કરી, ગાળો બોલીને રસીલાના પેટમાં છરી હુલાવી દીધી હતી. છરીનો બીજો ઘા ચૂકાવવા જતાં રસીલાના જમણા હાથ અને કાંડે ઈજા થઈ હતી. રસીલા જીવ બચાવવા ગભરાઈને પડોશીના ઘર તરફ દોડી હતી. તેની બુમાબુમના પગલે અડોશપડોશના લોકો એકઠાં થઈ જતાં કૌશલ્યા જતી રહી હતી. બનાવ અંગે માંડવી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
-રીપોટર: અસગર માંજોઠી , માંડવી