ઇન્ડોનેશિયાના લોકોને 30 દિવસના ફ્રી વિઝા મળશે
દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયા પ્રવાસ પર છે. વડાપ્રધાન મોદીએ જાહેરાત કરતા કહ્યું કે, તેમની સરકાર ઇન્ડોનેશિયાના નાગરિકોને 30 દિવસના ભારત પ્રવાસના ફ્રીમાં વિઝા આપશે. જાકાર્તામાં વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા તેની જાહેરાત કરી હતી. મોદીએ કહ્યું કે, બની શકે છે કે તમારામાંથી મોટાભાગના લોકો ક્યારેય પણ ભારતનો પ્રવાસ પણ કર્યો નહી હોય. હું તમામને આગામી વર્ષે કુંભ મેળામાં આવવાનું આમંત્રણ આપું છું.
વડાપ્રધાને કહ્યું કે, ઇ-વિઝા પર ભારત આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ઇન્ડોનેશિયા સહિત 163 દેશોના લોકોને ઇ-વિઝાની સુવિધા આપવામાં આવી છે. ઇ-વિઝા પર ભારત આવનારા પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 150 ટકાનો વધારો થયો છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી ત્રણ દેશોના પ્રવાસ પર છે. તેઓ પ્રથમ ઇન્ડોનેશિયા પહોંચ્યા હતા. મોદીનું ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રપતિભવન ખાતે શાહી સ્વાગત કરાયું હતું.