બંદુક-તલવાર સહિતના શસ્ત્રો સાથે રાખવા પર પ્રતિબંધ મૂકતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી. પાંડોર

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.બી. પાંડોરએ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી તા. ૪ ઓગસ્ટના રોજ એક જાહેરનામું પ્રસિદ્ધ કરીને જિલ્લામાં કેટલાંક કૃત્યો પર આગામી ૩૦ દિવસ સુધી પ્રતિબંધ મૂકયો છે. જાહેરનામાં મુજબ શસ્ત્રો, દંડા, તલવાર, ગુપ્તી, ધોકા, બંદુક, છરો, લાકડી કે લાઠી, સળગતી મશાલ કે શારીરિક ઇજા પહોંચાડી શકાય તેવું કોઇ પણ સાધન સાથે લઇને ફરવું નહી.
કોઇપણ ક્ષયકારી પદાર્થ કે સ્ફોટક પદાર્થ સાથે રાખવો નહી. પથ્થર કે અન્ય ફેંકી શકાય તેવી વસ્તુઓ કે એ માટેના યંત્રો કે સાધનો સાથે લઇ જવા નહી, એકઠા કે તૈયાર કરવા નહી. મનુષ્યોની આકૃતિ કે પૂતળા દેખાડવા નહીં, અપમાનિત કરવાના કે જાહેર કરવાના ઇરાદાથી બિભત્સ સૂત્રો પોકારવા નહીં, અશ્લીલ ગીતો ગાવા નહીં કે ટોળામાં ફરવું નહી.
આ ઉપરાંત છટાદાર ભાષણો, ચાળા પાડવાની કે નકલ કરવાની કે ચિત્રો, નિશાનીઓ કે જાહેરખબરો કે બીજી કોઇ વસ્તુ તૈયાર કરવાની, દેખાડવાની કે ફેલાવો કર્યાથી જો આ અંગેના અધિકારીના અભિપ્રાય મુજબ સુરૂચી અથવા નીતિનો ભંગ થતો હોય કે રાજયની સલામતી જોખમાતી હોય તેની જાહેરનામા દ્વારા મનાઇ કરવામાં આવી છે. આ હુકમ કેટલાંક ખાસ પ્રસંગો જેવા કે, ધાર્મિક વિધી, મરણોત્તર ક્રિયા ઉપરાંત સરકારી કર્મીઓ જેમને હથિયાર સાથે રાખવાનું હોય, આ માટેના પરવાનેદારો, સરકારી કામે પ્રવાસ કરતાં વાહનોને આ હુકમ લાગું પડશે નહી. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.