ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાઇ

ભુજ તાલુકા પં. પ્રા. શિક્ષક કર્મચારી ધિરાણ સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા લાલન કોલેજ, ભુજ ખાતે યોજાઇ હતી. પ્રમુખ નિલેશભાઈ ગોરની અધ્યક્ષતામાં કોરોનાની સરકારી ગાઇડલાઈન મૂજબ યોજાયેલ આ બેઠકમાં જિલ્લા મંડળીના પ્રમુખ ધીરજ ઠક્કર, મંત્રી રાજેશ ગોર, રાજ્યસંઘના મંત્રી વિલાસબા જાડેજા,જિલ્લા શિક્ષક સમાજના ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મંત્રી રશ્મિકાંત ઠક્કર, ભુજ બી.આર.સી. કો ઓર્ડિનેટર હરિભા સોઢા, તાલુકા સંઘના મહામંત્રી મેહુલ જોશી, હરિ ગઢવી સહિત મંડળીના સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભે પ્રાર્થના બાદ કોરોના તથા અન્ય કારણોસર અવસાન પામેલ સભાસદો માટે 2 મિનિટનું મૌન પાળી તેમને શ્રધ્ધાંજલિ પાઠવાઇ હતી. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય કર્યા બાદ મંડળીના ઉપપ્રમુખ ભાવેશ મોતાએ સૌને આવકાર્યા હતા. સંસ્થાના માનદમંત્રી હરિસિંહ જાડેજાએ ગત મિનિટસનું વાંચન કર્યું હતું તથા વર્ષ 2020-21ના વાર્ષિક હિસાબો રજૂ કર્યા હતા જેને ઉપસ્થિત સૌ સભ્યોએ સર્વાનુમતે બહાલી આપી હતી. તેમણે મંડળીએ કરેલ રૂ. 16,26,591 ના નફાનો શ્રેય સૌ સભાસદોને આપ્યો હતો. પ્રમુખ નિલેશભાઈ ગોરે મંડળીની પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો તથા નફાની ફાળવણી કરી હતી. તેમણે સભાસદોને રૂ. 4 લાખ સુધીનું ધિરાણ આપવા તથા તમામ સભાસદોને આકર્ષક ભેટ આપવાની જાહેરાત કરી હતી જેને સૌ સભ્યોએ આવકારી હતી. વય મર્યાદાના કારણે નિવૃત થતા મંડળીના કારોબારી સભ્યો સર્વે દશરથભાઇ કાપડી, ભોગીલાલ ગોર, ગિરિશ ચૌહાણ તથા વીણાબેન લીયાનું પુષ્પગુચ્છ, શાલ તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે મંડળીના કારોબારી સભ્યો અનુક્રમે હરિસિંહ જાડેજા રાજ્યસંઘ માં સતત ત્રીજી વખત ઉપપ્રમુખ પદે વરાતાં, નયનસિંહ જાડેજા જિલ્લાસંઘમા પ્રમુખ તરીકે ચૂંટાતા તેમજ ડો.અશોક જાટીયા પી.એચ.ડી.ની ઉપાધિ મેળવતા તેમનું વિશિષ્ટ સમ્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મંડળીને ભેટ આપનાર દાતાઓનું પણ સન્માન કરાયું હતું. ત્યારબાદ આગામી 5 વર્ષ માટે નવી વ્યવસ્થાપક સમિતિની સર્વાનુમતે રચના કરવામાં આવી હતી. સભાસદોની ડિવીડન્ડની રકમ તેમના બેન્ક ખાતામાં જમા કરાઇ હતી. કોવિંડની પરિસ્થિતિના કારણે સરસ્વતી સન્માન કાર્યક્રમ રદ કરાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંડળીના કારોબારી સભ્ય પરેશ મોતાએ જ્યારે આભારવિધિ ગિરિશ ચૌહાણે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ઉમંગ પરમાર, જયેન્દ્રસિંહ ઝાલા, આશુતોષ પંડયા, હનિફ તૈયાણી, કિશોર ડાભી, યોગેશ જરદોશ, ચિંતન કાપડી, ધીરજબા વાઘેલા, ઉર્મિલાબેન નાકર વગેરેએ જહેમત ઉઠાવી હતી.