કાયાપલટ થયેલા સવાસર તળાવનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી વાસણભાઈ આહીર

ભુજ,શનિવાર ;
આજરોજ અંજાર ખાતે રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના વરદ હસ્તે સવાસર તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા શહેરની આગવી ઓળખ ધરાવતા સ્થળોનું બ્યુટીફીકેશન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અંજારના હૃદય સમાન અને ઐતિહાસિક દ્રષ્ટિએ આગવી ઓળખ ધરાવતા સવાસર તળાવનું ૪ કરોડ ૬૦ લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહીરના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે રાજ્ય મંત્રી વાસણભાઇ આહીરે જણાવ્યું હતું કે, સવાસર તળાવનું નવીનીકરણ થયા બાદ લોકાર્પણ થતાં અંજાર શહેરની સુખાકારી અને સૌંદર્યમાં એક નવું નજરાણું ઉમેરાયું છે. આ બ્યુટીફીકેશન થકી સવાસર તળાવ ની કાયાપલટ થઇ છે તેમજ સહેલાણીઓ માટે આ તળાવ ખુલ્લુ મુકાતા અહિં શહેરના લોકો નિરાંતે સમય પસાર કરી શકશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે નગરપાલિકાઓના વિકાસ કામો માટે કરોડો-અબજો રૂપિયાની ગ્રાન્ટો મળી રહી છે જેથી નિત નવા વિકાસ કામો શક્ય બન્યા છે. એમા ઐતિહાસકિ શહેર અંજારમાં જ્યાં નજર કરો ત્યાં વિકાસ જ દેખાય. અંજારને પૂર્વ કચ્છનું વડું મથક બનાવવામાં પણ ૮૦ ટકા સફળતા મળી ચૂકી છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે હું જે વિકાસ કામો કરી રહ્યો છું એ જનતા ઉપર કોઈ મહેરબાની નથી એ તો મારું કર્તવ્ય છે.
આ ઉપરાંત તેમણે નગરપાલિકાને સવાસર તળાવ આજે છે તેથી પણ સવિશેષ રૂપાળુ કાયમી જળવાઈ રહે તે અંગે તકેદારી રાખવા જણાવ્યું હતું.તથા ૧૫૦ જેટલા બાંકડા તેમજ સીસીટીવી કેમેરા લગાવવાનો તાત્કાલિક પ્લાન તૈયાર કરવા પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ તકે સંત ત્રિકમદાસજી મહારાજ, કીર્તિદાસજી મહારાજ તેમજ વિશ્વવલ્લભ મહારાજે આશીર્વચન આપ્યા હતા તો અગ્રણી ડેનીભાઈ શાહ અને વસંતભાઇ કોડરાણી તેમજ અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવતીબેન પ્રજાપતિએ પ્રસંગોચિત ઉદબોધન આપ્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન સુરેશ ટાંકે કર્યુ હતું તો આભારવિધિ અંજાર નગરપાલિકાના ઉપપ્રમુખ બહાદુરસિંહ જાડેજા એ કરી હતી. આ પ્રસંગે અગ્રણીઓ સર્વ ભરતભાઈ શાહ, સંજયભાઈ દાવડા, દિગવંજ ધોળકિયા, ગોવિંદ કોઠારી, જયરામભાઈ રાવલીયા, અશ્વિન સોરઠિયા, ત્રિકમભાઈ આહીર, વિજય પલણ, પુષ્પાબેન ટાંક, રાજુભાઈ પલણ, સુરેશભાઈ, વિનોદભાઈ ચોટારા, જય બેન મહેતા, ગોપાલ માતા, મહાદેવભાઈ આહીર તેમજ અંજાર પ્રાંત અધિકારી ડો. વી કે. જોષી, અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર જીગર પટેલ તેમજ અંજાર નગરપાલિકાના વિવિધ કાર્યકર્તાઓ અને કર્મચારીઓ તથા સ્થાનિક અગ્રણીઓ અને અંજાર શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.