બોટાદ જિલ્લાના તુરખા ગામ ખાતે “નલ સે જલ” કાર્યક્રમનું ખાતમુહૂર્ત ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું


માહિતી બ્યુરો, બોટાદઃ
આજ રોજ બોટાદ જિલ્લાના તુરખા ગામ ખાતે ‘નલ સે જલ’ કાર્યક્રમનું ખાતમુહૂર્ત ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, ‘નલ સે જલ’ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દરેક લોકોના ઘરમાં નળથી ચોવીસ કલાક પાણી મળી રહે તે છે. રાજ્ય સરકાર ખૂબ જ ચિંતિત રહી દરેક લોકોને પાણી, વિજળી આરોગ્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં પુરતી સગવડતા મળી રહે તે માટે પુરતા પ્રયાસો કરી રહી છે. આજે રાજ્ય સરકારે સૌરાષ્ટ્રની ધરતી પર સૌની યોજના દ્વારા નર્મદાનું પાણી પહોંચાડી પાણીના પ્રશ્નોનો નિકાલ કર્યો છે. નર્મદાનું પાણી દરેક લોકોને ઘરમાં જ નળથી 24 કલાક મળી રહે તે માટે ‘નલ સે જલ’ કાર્યક્રમો કરી દર વર્ષે કરોડોના ખર્ચ કરી પાણી પહોંચાડી પાણીની તકલીફો દૂર કરી રહી છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, તુરખા ગામના લોકોનું જે સ્વપ્ન હતું કે પીવાનું પાણી ગામમાં મળી રહે તે આજે પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે ટુંક સમયમાં પીવાના પાણીની જે કાયમ ચિંતા હતી તે દૂર થશે. સૌની યોજના દ્વારા આજે નર્મદાનું પાણી બોટાદમાં મળી રહ્યું છે સુખભાદર, કાનીયાડ, ગોમા ડેમ અને તળાવો ભરવામાં આવે છે. બોટાદ તાલુકાને સૌથી વધારે આ યોજનાનો લાભ મળ્યો છે, સૌની યોજના દ્વારા ડેમો, ચેકડેમો અને તળાવો ભરી આજુબાજુના ગામડાને પાણી પહોંચાડી રહી છે. રાજ્ય સરકારે અનેક વ્યવસ્થાઓ ઉભી કરી છે. રાજ્ય સરકાર 1.32 કરોડ પીવાના પાણી માટે ‘નલ સે જલ’ માટે ખર્ચ કરશે. ટુંક સમયમાં આ કામ પૂર્ણ કરી તેનો લાભ આ ગામને મળવાપાત્ર થશે. આજે રાજ્ય સરકાર ખેડૂતો માટે પણ ચિંતિત રહી છે ત્યારે વાવાઝોડામાં પણ જે લોકોને નુકશાન થયું હતું તેઓને લાભ આપવામાં આવ્યો છે. ગામડાની અંદર ગટરો બનાવી ગામની સ્વચ્છતાની દેખરેખ પણ સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહી છે અને લોકોનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે કામ કરી રહી છે. વધુમાં ગામનો સંપૂર્ણ પણે વિકાસ થાય અને દરેક સમાજ વિકસિત બને તે માટે ઉપસ્થિત તમામ લોકોને જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, જિલ્લા ભાજપ મહામંત્રી પોપટભાઈ અવૈયા, અરવિંદભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ, સદસ્યઓ, ચેરમેન, કિર્તિભાઈ પટેલ, અધિકારી- કર્મચારીઓ, સરપંચ – આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.