પશુઓ ભરીને કતલખાને જઈ રહેલું જીપડાલુ  સહિત બે ઈસમોની અટકાયત

ડીસામાં ગઈ કાલે રાત્રે માર્કેટયાર્ડ ત્રણ રસ્તા પાસેથી પશુઓ ભરીને કતલખાને જઈ રહેલું જીપડાલુ ઝડપાયુ હતું. જીવદયા પ્રેમીઓની સતર્કતા ના કારણે પાંચ પશુ અને ગાડી સહિત કુલ 1.88 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. જ્યારે ગાડી ચાલક સહિત બે શખ્સોની અટકાયત કરી હતી. આ અંગે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી કતલખાને લઈ જતા પશુઓની હેરાફેરી ખૂબ જ વધી ગઈ હતી. આથી ડીસામાં ગત મોડી રાત્રે એક ગાડી પશુ ભરીને કતલખાને જઈ રહી હોવાની જીવદયા પ્રેમીઓને ખાનગી ધોરણે બાતમી મળી હતી. જેથી આ જીવદયા પ્રેમીઓએ માર્કેટ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી ધ્યાન રાખતા ધાનેરા તરફથી એક શંકાસ્પદ જીપડાલુ આવી રહ્યું હતું. જેને થોભાવી તલાસી લેતા ગાડીમાં ઘાસચારા કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર પાંચ પશુઓ ભરેલા હતા. જે મામલે ગાડી ચાલકને પૂછપરછ કરતાં તેઓએ કંઈ પણ જવાબ આપ્યો ન હતો. જેથી જીવદયા પ્રેમીઓએ આ અંગે જાણ કરતા ડીસા દક્ષિણ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ગાડી ચાલક વશરામ માજીરાણા અને રમેશ વાલ્મિકી સહિત બે ઇસમોની અટકાયત કરવામાં આવી હતી. તેમજ પાંચ પશુ સહિત 1.88 લાખ રૂપિયાનો મુદામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

COPY FAIL