ગાંધીધામમાં બીગ બજારની બહાર પાણીપુરીનો ધંધાર્થી સડેલા બટેકાનો ઉપયોગ કરી ગ્રાહક સાથે છેતરપિંડી કરતો વિડીયો સોશિલ મીડિયા પર વાઇરલ


ગાંધીધામ શહેરનાં ગુરૂકુળ વિસ્તારમાં આવેલ બીગ બજારની બહાર પાણીપુરીના ધંધાર્થી સડેલા બટેકાનો ઉપયોગ કરી પાણીપુરી વેચતો નજરે ચડ્યો. જેનો હાલ સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક પાણીપુરીની દુકાન ચલાવનાર ધંધાર્થી સડેલા બટાકાનો મસાલો બનાવી ગ્રાહકોને ખવડાવતો હતો. જેની જાણ એક જાગૃત ગ્રાહકને થતા તેમણે વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. વીડિયોમાં જોવા મળ્યું હતું કે એક વ્યક્તિ પાણીપુરીની દુકાન ચલાવનાર પાસે જાય છે અને તેના સામાનની ચકાસણી કરે છે. જેમાં તેને એક ટોકરીમાં સડેલા બટાકા નજરે ચડ્યા હતા. ત્યાર બાદ દુકાનદારને પુછતા જાણવા મળ્યું હતું કે, તે આ સડેલા બટાકાનો ઉપયોગ પાણીપુરીના મસાલા માટે કરતો હતો અને લોકોને ખવડાવતો હતો. ચોરી સામે આવી જતાં દુકાનદાર વીડિયોમાં બે હાથ જોડી ગ્રાહકની માફી માંગતો જોવા મળ્યો હતો. હાલમાં રાજ્યમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. ચોમાસા દરમિયાન સામાન્ય રીતે ઝાડા-ઉલટી, મેલેરિયા સહિતનો રોગચાળો ફાટી નીકળતો હોય છે. તેમાં પણ પાણીપુરી સહિતના ફાસ્ટ ફૂડનો લોકો દૈનિક આરોગતા હોય છે. ત્યારે લોકોનાં સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પાણીપુરી તેમજ ફાસ્ટફુડમાં વપરાતા અલગ-અલગ ખાદ્ય સામગ્રીના નમુના લઈ તપાસ કરે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે.