લઠ્ઠાકાંડ બાદ પણ બેખોફ રીતે ચાલી રહ્યો છે સુરતમાં મુન્નીનો અડ્ડો

બોટાદમાં લઠ્ઠાકાંડ થયા બાદ સુરત પોલીસ દ્વારા દારૂના ધંધા બંધ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં પણ સિંગણપોર વિસ્તારમાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે. છુપાઇને દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને દારૂડિયાઓ જાહેરમાં દારૂ પી રહ્યા છે. સિંગણપોર પોલીસ આર.સી.વસાવાએ કહ્યું કે મારા વિસ્તારમાં મુન્નીનો અડ્ડો ચાલતો હોય એવી કોઈ માહિતી અમારી પાસે નથી. છતાં પણ જે વીડિયો સામે આવ્યો છે તેની તપાસ કરીશું.
તમામ પોલીસ સ્ટેશન હદની અંદર દારૂ પીતા લોકોને પકડવામાં આવી રહ્યા છે અને દારૂના અડ્ડા ઉપર રેડ કરવામાં આવી રહી છે. છતાં પણ જાણે મુન્નીને કોઈનો ડર ન હોય તે રીતે ખુલ્લેઆમ દારૂ વેચી રહી છે. સિંગણપોર વિસ્તારમાં મુન્ની વર્ષોથી દારૂ વેચી રહી છે. આસપાસના તમામ લોકો અહીં દારૂ પીવા માટે પહોંચતા હોય છે. તાપી કિનારે પોલીસ દ્વારા જે દરડો કરવામાં આવ્યો અને તેમાં દેશી દારૂની ભટ્ટીઓને ઝડપી પાડવામાં આવ્યો હોવાની વાત સામે આવી રહી છે. છતાં પણ મુન્ની કેવી રીતે દારૂ વેચી રહી છે તેને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. કોના આશીર્વાદથી મુન્ની આટલા વર્ષોથી અને અત્યારે આ સ્થિતિમાં પણ બેખોફ રીતે દારૂ વેચી રહી છે તે લોકો માટે ચર્ચાનો વિષય બન્યો.
