રાપર પાસે વાડીમાં જુગારધામ પર દરોડો, 4.55 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો


રાપરથી નીલપર જતા કાચા માર્ગ પર આવેલી વાડીમાં જુગારધામ પર રાપર પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં જુગાર રમી રહેલા 11 પૈકીનો માત્ર 1 ઈસમ જ પોલીસ દ્વારા ઝડપાયો હતો, જયારે બાકીના 10 ઇસમો ભાગી જવામાં સફળ રહ્યા હતા. આ ઘટનામાં પોલીસે રોકડ રૂ. 25 હજાર અને વાહનો સહિત કુલ રૂ. 4.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ અંગે રાપર પોલીસે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાપરથી નીલપર જતા કાચા માર્ગ પર દામા જેઠાભાઈ પટેલની વાડીમાં મુખ્ય આરોપી રાપરમાં રહેતો કિશોરભા કાનાભા ગઢવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યો હોવાની બાતમી મળતા રાપર પોલીસે ઘટના સ્થળે દરોડો પડ્યો હતો. જે દરોડા સમયે પોલીસ આવે તે પહેલા વાડીમાં જુગાર રમી રહેલા દામા જેઠા પટેલ, ભરતભા કાનાભા ગઢવી, કાના હાજાભાઈ, જુગાર રમાડી રહેલો કિશોરભા ગઢવી તેમજ અન્ય અજાણ્યા 6 સખ્શો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.
આ ઘટનામાં માત્ર એક આરોપી વેલાભાઇ દેવાભાઈ બાંભણીયા પોલીસને મળી આવ્યો હતો. જેથી પોલીસે રોકડા રૂ. 25 હજાર ઉપરાંત મોબાઈલ, ચાર બાઈક, બોલેરો સહિત કુલ રૂ. 4.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે રાપર પોલીસે જણાવ્યુ હતું કે, જે મુખ્ય આરોપી જુગાર રમાડી રહ્યો હતો તે કિશોરભા ગઢવી છેલ્લા ઘણા સમયથી જુગાર રમાડી રહ્યો છે અને આ અગાઉ પણ તેના પર જુગારના કેસો થયેલા છે. આ વખતે ચોકસાઈ પૂર્વક વાડી પર દરોડો પાડવામાં આવ્યો હોવા છતાં દરોડો પડે તે પહેલા જ તે ભાગી જવામાં સફળ રહ્યો હતો.