ટ્રાન્સપોર્ટ કંપનીનો સીમકાર્ડ ચાલુ કરાવી, 29.46 લાખની છેતરપિંડી કરાઈ

ગાંધીધામમાં જાણીતી ટ્રાન્સપોર્ટ કંપનીએ પોતાનો બંધ સીમકાર્ડ મેળવી  તમામ ડેટાનો ઉપયોગ કરી કોઈ અજાણ્યા શખ્સે આ નંબર ઉપર મેસેજ કરી અલગ-અલગ ટ્રાન્જેક્શનમાં રૂ.29.46 લાખની છેતરપિંડી કરતાં મેનેજરે સાયબર ક્રામ પોલીસમાં ફરિયાદ દર્જ કરી હતી.

આદિપુરમાં રહેતા અને 32 વર્ષથી હરિશ ટ્રાન્સપોર્ટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સંતોષ વિશનદાસ પંજવાણીએ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની કંપનીએ તેમના ઉપયોગ માટે આપેલો મોબાઇલ નંબર ગત સવારે બંધ આવતો હોવાથી તેમણે કંપનીના માલિક રોમેશભાઇ ચતુરાણીને તથા કંપનીનું ઇ-મેઇલ એકાઉન્ટ સંભાળતા મહેશભાઇને જણાવ્યુ કે આપણી કંપનીના ઇ-મેઇલ એડ્રેસ પર મેઇલ પણ આવ્યો છે.

આ અંગે વોડાફોન સ્ટોરના કર્મચારી અભીષેક સ્વાલીને બોલાવી કસ્ટમરકેરમાં શેઠની રૂબરૂ વાત કરતાં વોડાફોન કંપનીમાં આ નંબર ઉપરથી સીમકાર્ડ ખોવાઇ ગયું હોવાથી બંધ કરવાની રિક્વેસ્ટ આવતાં બંધ કર્યો હોવાનું જણાવાયું હતું. અભિષેકે ગ્રાહકે આવી કોઇ રિકવેસ્ટ મોકલાવી ન હોવાનું જણાવતા઼ આ સીમકાર્ડ ચાલુ થયુ હતું. સવારે 7595842707 નંબર ઉપરથી મિસ કોલ આવાતા શેઠે આ નંબર ઉપરથી આવતા ફોન ઉપાડવાની ના કહી હતી પણ ત્યારબાદ મેસેજ આવ્યા ત્યારે ચોંકી ગયા હતા.

કેમ કે, તેમની ટ્રાન્સપોર્ટ કંપનીના એચડીએફસી બે઼કના ખાતામાંથી 20,00,000 ડેબીટ થયા હોવાનો મેસેજ આવ્યો હતો. તપાસ કરતાં કોઇ અજાણ્યા શખ્સે તેમની કંપનીનો નંબર મેળવી અલગ અલગ ટ્રાન્જેક્શન કરી કુલ રૂ.29,46,000 ઉપાડી છેતરપિંડી કરી હોવાનો ખ્યાલ આવતાં આ અંગે તેમણે પુર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.