ગાંધીધામમાં પાર્ક કરેલા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગના એક આરોપીને પોલીસે ફિલ્મી ઢબે પકડી પાડ્યો


ગાંધીધામમાં રાત્રે હાઈવે પર પાર્ક થયેલાં ટ્રક-ટ્રેલરો જેવા વાહનોમાંથી ડીઝલ ચોરી કરતાં ગેંગનો ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે એકને પકડી પાડ્યો હતો.
ગત મધરાત્રે શહેરના ભારતનગર GIDC પાસે આવેલા રીશી શિપીંગ કંપનીના વર્કશોપ બહાર બે ટ્રેલરમાંથી આ ટોળકીએ 27 હજાર 600ની કિંમતનું 300 લિટર ડીઝલ ચોર્યું. જો કે ટ્રેલરનો ડ્રાઈવર જાગતા તેણે રાડારાડ કરતાં ચોર ત્રિપુટી સફેદ રંગની નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ચુંગી નાકા તરફ ભાગ્યા હતા. આ ઘટના અંગે જાણ થતાં નાઈટ રાઉન્ડમાં રહેલ એ ડિવિઝન પોલીસે સરકારી જીપને આડશ તરીકે મૂકી વાહન ચેકિંગ શરૂ કર્યું. નંબર પ્લેટ વિનાની સ્વિફ્ટ કાર આ સરકારી જીપની આડશને ગણકાર્યાં વિના નીકળી ગઈ. જેથી પોલીસ ટૂકડીએ આ કારનો પીછો શરૂ કર્યો.
આ સ્વિફ્ટ કાર ટાગોર રોડથી આદિપુર તરફ રોટરી સર્કલથી રેડિસન ફાટક તરફ ગઈ હતી. પોલીસ પણ સતત તેનો પીછો કરી રહી હતી. જો કે, ફાટક બંધ હોવાથી સ્વિફ્ટચાલકે કારને રીવર્સમાં લઈ પોલીસથી બચવા માટે તેમની જીપને આગળના ભાગે ટક્કર મારી ભાગી છૂટવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમની કાર બંધ થઈ ગઈ હતી. કાર બંધ થઈ જતાં તેમાં સવાર ત્રણ ઇસમો બહાર ભાગવા લાગ્યા હતા. પોલીસે દોટ મૂકી સાલેમામદ સલેમાન સીધીક રાયમાને પકડી લીધો હતો, બાકીના બે ભાગી છૂટ્યાં હતા.
આરોપીએ કબુલાત આપતા જણાવ્યુ હતુ કે, સ્વિફ્ટ કાર તે જ ચલાવતો હતો. તેમની ગેંગ મુંદરા-ગાંધીધામ હાઈવે ઉપરાંત વાહનોના વાડા, વર્કશોપ આસપાસ પાર્ક કરાયેલી ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરે છે. આ ઘટનામાં સરકારી જીપને નુકસાન પહોંચ્યું છે. બનાવ અંગે પોલીસે ડીઝલ ચોરી અને સરકારી જીપને નુકસાન પહોંચાડવા અંગેની બે અલગ અલગ ફરિયાદોની નોંધ કરી છે.