ગાંધીધામમાં ત્રણ દરોડામાં 14 જુગારી 71 હજાર રોકડ સાથે પકડાયા


ગાંધીધામના વોર્ડ-10/એ અને કાર્ગો પીએસએલ ઝૂંપડામાં એમ 3 અલગ અલગ દરોડામાં પોલીસે 14 જુગારીઓને કુલ રૂ.71 હજાર રોકડ સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો. ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ ગત સાંજે પેટ્રોલિંગમાં હતી તે સમયે ગુરૂકુળ પાસે પહોંચતા બાતમી મળી હતી કે વોર્ડ-10/એમાં ચોકમાં અમુક શખ્સો જુગટું રમે છે.
આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી ગંજીપાનાથી જુગાર રમતા રમેશ પુનાભાઇ રાવલ, રાજુ નોંઘાભાઇ આહિર, જ્યંતિ ખોડાભાઇ મારાજ, અજિતદાન ઇશ્વરદાન ગઢવી, લગધીર હમીરભાઇ આહિર અને વાલજી રામજીભાઇ પ્રજાપતિને રૂ.40,500 રોકડ, રૂ.40 હજારની કિંમતના 4 મોબાઇલ અને રૂ.1,00,000 ની કિંમતની બે બાઇક સહિત કુલ રૂ.1,80,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ગોપાલપુરી કોલોનીમાં આવેલા શોપિંગ સેન્ટર પાછળ જાહેરમાં ગંજીપાનાથી જુગટું રમતા આતુ હનુમાનભાઇ ચૌધરી, વિશાલ અશોકભાઇ કચોરીયા, જયંતિ કેવટરામ ઠક્કર અને કિશોર નાથુમલ ભાટીયાને રૂ.25,100 રોકડ અને રૂ.10,500 ના 3 મોબાઇલ ફોન મળી કુલ રૂ.35,600 ના મુદ્દામાલ સાથે એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો.
ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકની ટીમે બાતમીના આધારે કાર્ગો પીએસએલ ઝૂંપડા વિસ્તારમાં આવેલા શંકર મંદિર સામે લાઇટના અજવાળે જુગટું રમતા પુરારીકુમાર ગોરીશંકર શાહ, વિશાલસિંહ મિથિલેશસિંહ સિંઘ, બીટ્ટુકુમાર સિતારામ પાસવાન અને રાજેશ સુરેશકુમાર તાંતી મંડલને રૂ.5,800 રોકડ અને રૂ.10,500 ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ.16,300 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો.