ગાંધીધામમાંથી 17 લાખની મિનિ ટ્રક ચોરનાર ઈસમ રાજસ્થાનથી પકડાયો


ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસ બહારથી રૂ. 17 લાખની કિંમતનો આઇસર ટેમ્પો ચોરી કરનાર એક ઈસમ. ચોરાઉ વાહન સાથે ઇસમને પોલીસે રાજસ્થાનથી પકડી પાડી ગણતરીના કલાકોમાં આ વાહન ચોરીનો ભેદ ઉકેલી લીધો.
આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એ.બી.પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભારતનગરમાં આવેલા બંસીધર ટ્રાન્સપોર્ટની ઓફિસ સામે તેના ચાલક સુરેન્દ્રસિંગ ચૌહાણે રૂ.17,00,000 ની કિમતનો આઇસર ટેમ્પો પાર્ક કર્યો હતો.
જે ચોરી થયો હોવા બાબતે માલિક હરનિવાસસિંગે પોલીસ ફરિયાદ ગઇકાલે નોંધાવ્યા બાદ ટેકનિકલ સર્વેલન્સના આધારે મળેલ બાતમીને કારણે આ ટેમ્પો ચોરી કરનાર રાજસ્થાનના ચનારામ સોનારામ અમરારામ જાટને રાજસ્થાનથી ચોરાઉ વાહન સાથે ઝડપી પાડી ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી લીધો. જો કે આ ચોરીનો બીજો આરોપી ગેનારામ કસ્તુરારામ જાટને હજી પકડાયો ના હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ ગેંગ રાજસ્થાનથી બસમાં આવે છે અને ગુજરાતથી વાહનોની ચોરી કરી જાય છે પકડાયેલા આરોપીની પ્રાથમિક પુછપરછમાં ગાંધીધામથી વાહનો ચોરી કરતી આ ગેંગના સાગરિતો રાજસ્થાનથી બસમાં ગુજરાત આવે અને અહીં આવ્યા બાદ ટ્રક અને ટેમ્પો જેવા વાહનો હંકારી લઈ જઇ ચોરીને અંજામ આપતા હોવાની તેમની મોડસ ઓપરેન્ડી હોવાનું પીઆઇ પટેલે જણાવ્યું.