અંજારમાં પોલીસે ચોરીની 2 બાઈક સાથે 2ને પકડ્યા

અંજારમાં છેલ્લા લાંબા સમયથી ચોરી, લૂંટ હત્યા જેવા ગંભીર ઘટનાઓ બની રહ્યા છે, પરંતુ પોલીસ અધિકારીઓની ઈચ્છા શક્તિના અભાવથી ડીટેકશન નહિવત થયું હતું. ત્યારે હવે નવા પી.આઈ. અને સ્ટાફમાં પણ નવા કર્મચારીઓ ઉમેરતા કામગીરી ફરી થાળે પડી અને ડીટેકશન થવા લાગ્યા.

આ વિશે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, અશાબા વે બ્રીજ પાસે વાહન ચેકિંગ દરમ્યાન ચોરીની બાઈક સાથે મકલેશ્વર મંદિર પાછળ રહેતો રમેશ મેઘજી ભીલ નામનો શખ્સ પકડાઈ ગયો હતો. ત્યાર બાદ તેની પુછપરછ કરતા તેણે આ બાઈક આરોપી દિનેશ જીવા ભીલ સાથે મળી ચોરી કરી હોવાનું કબુલતા કરી.

બીજા દિવસે જયારે એપીએમસી પાસે વાહન ચેકિંગ દરમિયાન ભીમાસર ગામે રહેતો આરોપી દિનેશ ભીલ મળી આવ્યો હતો. આ સખ્શ પણ આદિપુર ખાતેથી ચોરી કરેલી બાઈક ચલાવતો હોવાથી પોકેટ કોપ સોફટવેરની મદદથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આમ અંજાર પોલીસે બે દિવસમાં બંને ચોરોને પકડી પાડ્યા હતા.