મોરગર ત્રણ રસ્તા પાસે ટ્રેઇલર વીજ વાયરના સંપર્કમાં આવતા ચાલકનું મોત, અન્ય 1 દાઝ્યો


ભચાઉ તાલુકાના મોરગર ગામ પાસેના ત્રણ રસ્તા પાસે કન્ટેનર સાથેનો ટ્રેઇલર વીજ વાયરના સંપર્કમાં આવતા શોર્ટ સર્કિટ થયું હતું. આ ઘટનામાં ટ્રેઇલરના પાછળના ટાયરમાં આગ લાગી હતી. આ બાનવમાં ચાલકને વીજશોક લાગતા સ્થળ પર જ મોત નીપજયું હતું. જયારે ખલાસીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
ઘટના વિશે સુત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભચાઉ તાલુકાના સુખપર મધ્યે આવેલી એક ખાનગી કંપનીમાં માલ ખાલી કરી પાછા ફરતા સમયે મોરગર ત્રણ રસ્તા પાસે અન્ય વાહનની સાઈડ કાપવાના ચક્કરમાં ટ્રેઇલર રોડ પરથી નીચે ઉતરી ગયો. જે દરમિયાન ટ્રેઇલર પરનો ખાલી કન્ટેઇનર 11kv વીજ વાયરના સંપર્કમાં આવતા ધડાકા સાથે શોર્ટ સર્કીટ થવા લાગ્યું જેના લીધે ટ્રેઇલરના પાછળના ટાયરમાં આગ લાગી હતી અને ચાલક 30 વર્ષીય સંજય રાયને આ ઘટનામાં જોરદાર વીજશોક લાગતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
તેની સાથેના ખલાસીને પણ જોરદાર વીજશોક લાગ્યો હોવાથી સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ મધ્યે ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ સ્થાનિકોએ સળગતા ટાયર પર પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. તો બીજી બાજુ ઘટનાની જાણ થતા દુધઈ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને ચાલકના મૃતદેહને પી.એમ. માટે દુધઈ સીએચસી મધ્યે ખસેડ્યો હતો.