ચિત્રોડમાં ધોળા દિવસે બંધ ઘરમાંથી કરાઇ 10.45 લાખની તસ્કરી

રાપરના ચિત્રોડ મધ્યે ગઇકાલે ધોળા દિવસે માત્ર સવા કલાકમાં ઘરના અને કબાટના તાળા તોડી ચોર 9.95 લાખના દાગીના અને રૂ.50 હજાર રોકડ મળી કુલ રૂ.10.45 લાખની ઘરફોડ ચોરીને અંજામ આપ્યા હોવાની ઘટના આડેસર પોલીસ મથકે દાખલ કરાઇ છે.

મુળ ચિત્રોડના હાલમાં નવી મુંબઇ રહેતા 32 વર્ષીય વેપારી દિનેશભાઇ મનજીભાઇ પટેલ તા.16/9 ના જીજ્ઞેશભાઇ દામીભાઇ પટેલ સાથે ગાંધીધામ ગયા અને ત્યાંથી ગત રાત્રે 12 વાગ્યાની ટ્રેનમાં મુંબઇ જવા નિકડ્યા હતા. તેઓ વલસાડ પહોંચ્યા ત્યારે તેમના નાના ભાઇ અશોકભાઇએ ફોન કરી માતાને તાત્કાલીક ફોન કરવાનું જણાવયું હતું. તેમણે ચિત્રોડ મધ્યે રહેતા માતાનો સંપર્ક સાધ્યો તો તેમણે જણાવ્યું હતું કે તેઓ ગત સવારે 8:45 વાગ્યે સમાજવાડીમાં જમવા માટે ગયા અને ત્યાંથી 10 વાગ્યે પાછા ફર્યા ત્યારે ઘરના દરવાજાનું અને અંદરના બન્ને કબાટના તાળા તૂટેલા હતા.

રોકડ તથા ઘરેણા ચોરી થયા હોવાનું જણાવતાં તેઓ મુંબઇ પહોંચી તરત ચિત્રોડ પરત થયા હતા. ઘરે જઇ તપાસ કરી તો રૂ.1.20 લાખની કિંમતનો સોનાનો હાર, 2.60 લાખની સોનાની ચેઇન,1 લાખનું સોનાનું બ્રેસલેટ, 2.80 લાખનું સોનાનું મંગળસૂત્ર, 40 હજારનું સોનાનું બ્રેસલેટ,35 હજારનું સોનાનું તનમનિયું, 35 હજારની સોનાની 7 વીંટી ચાંદીના ઝાંરા, કડલા, બુટી, સિક્કા અને 50 હજાર રોકડ મળી રૂ.9.95 લાખના દાગીના અને રૂ.50 હજાર રોકડ મળી કુલ રૂ.10,45,500 ની માલમત્તાની તસ્કરી થઇ હોવાનો ખ્યાલ આવતાં તેમણે આડેસર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

આ અંગે પીએસઆઇ બી.જી.રાવલે વધુ તપાસ હાથ ધરી છે. પૂર્વ કચ્છમાં ચોરની ટોળકી ફરી સક્રીય બની છે ત્યારે ચોરીના વધતી ઘટનાઓ વચ્ચે લોકો પરેશાન થયા છે, જેથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.