સરીયદ ગામથી ખેતરમાં વાવેતર કરેલા ગાંજા સાથે ઈસમ પકડાયો

સરસ્વતી તાલુકાના સરીયદ ગામમાં છત્રાડા સીમ વિસ્તારના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર પકડાયું. પોલીસે ખેતરમાંથી રૂ.68,900ના લીલા ગાંજાના 57 છોડ કબ્જે કર્યા હતા અને વાવેતર કરનાર ગામના ઈસમને પકડી પાડ્યો હતો. તેની સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી. પાટણ એસઓજી પીએસઆઇ વી.આર.ચૌધરીને મળેલી બાતમીને આધારે સરીયદ ગામની છત્રાડા સીમમાં આવેલા ખેતરોમાં એસ.ઓ.જી પોલીસે તપાસ કરતા ગેરકાયદેસર રીતે લીલા ગાંજાનું વાવેતર મળ્યું હતું.

પોલીસે ખેતરમાંથી લીલા ગાંજાના રૂ.68.900ના 6.890 કિલોગ્રામ વજનના 57 છોડ કબ્જે કર્યા હતા અને ગાંજાનું વાવેતર કરનાર ખેતર માલિક સરીયદ ગામના તલાજી લક્ષ્મણજી ઠાકોરને પોલીસે ઝડપી પાડ્યો હતો તેની સામે સરસ્વતી પોલીસ મથકે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ 1985-(B),20(a)(i)20(b)(ii)B,22(B) અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.આ વિશે પોલીસ સૂત્રએ જણાવ્યું હતું કે તલાજી લક્ષ્મણજી ઠાકોર બીજી ત્રીજી વખત ગાંજાનું વાવેતર કર્યું છે તે બંધાણી હોવાથી પીવા માટે ગાંજાનું વાવેતર કરે છે. અને ક્યારેક તે ગાંજાનું શાક પણ બનાવે છે.