સેવા સેતુના પ્રારંભે સેવા સેતુ એક પણ અરજદારનું કામ બાકી ન રહેવું જોઇએ-રાજ્યમંત્રી વાસણભાઇ આહીરની ટકોર.
કચ્છ જિલ્લામાં રાજય સરકાર દ્વારા ચાલી રહેલા ચોથા તબકકાના સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આજે અંજાર તાલુકાના ભુવડ ગામે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે સેવાસેતુમાં આવતાં એક પણ અરજદારનું કામ પડતર ન રહેવું જોઇએ તેવી તંત્રવાહકોને ખાસ ટકોર કરી હતી.
અંજાર તાલુકાના કલસ્ટરના મુખ્ય ગામ ભુવડ ખાતે આયોજિત સેવાસેતુ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મૂકતાં સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે અધિકારીઓ અને કર્મયોગીઓને અરજદારની રજૂઆતો પરત્વે ધ્યાન આપવાની સાથે પાંચના છ ભલે વાગે પરંતુ પ્રશ્નોના ઉકેલની દિશામાં નકકર કાર્ય કરવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે અંજાર મામલતદાર એન.સી.રાજગોરે સરકારની યોજના મુજબ દર શુક્રવારે કલસ્ટરના ગામોમાં સેવાસેતુનો કાર્યક્રમ યોજીને વ્યકિતલક્ષી પ્રશ્નોનું નિરાકરણ કરાતું હોવાનું જણાવ્યું હતું.
તાલુકા હેલ્થ ઓફિસર ડો. રાજીવ અંજારિયાએ આરોગ્યને લગતી મા યોજનાના કાર્ડ કાઢી આપવા સાથે જનની સુરક્ષા યોજના સહિત આરોગ્ય સેવાઓની વિગતો આપી હતી.
આ પ્રસંગે અંજાર તા.પં.ના પૂર્વાધ્યક્ષ રાંભઇબેન જરૂ, ગામના સરપંચ શંભુભાઈ, ઉપસરપંચ ગોપાલભાઈ, પશુપાલન વિભાગના ડો.આર.ડી.પટેલ, પીજીવીસીએલના શ્રી ગોસ્વામી, તલાટી આશાબેન સહિતના વિભાગોના કર્મયોગીઓ, નારાણભાઈ ચેના, ધનાભાઈગામના આગેવાનો, અરજદારો વગેરે ઉપસ્થિત રહયા હતા.