ધિણોજથી પલાસર રોડ પર અકસ્માત: ટ્રકની અડફેટે કારચાલક લુણપુરના સરપંચનું મૃત્યુ

ચાણસ્મા તાલુકાના ધીણોજથી પલાસર રોડ પર ટ્રકની અડફેટે કાર ચાલક લુણપુર સરપંચનું ગંભીર ઇજાઓ પહોચતા સારવાર દરમ્યાન મોત નીપજયું હતુ. આ બાબતે ઇજાગ્રસ્તે ચાણસ્મા પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી.

ડીસા તાલુકાના જાબડીયા ગામના રહેતા સીતારામભાઇ શંકરભાઇ ઠક્કરને મહેસાણાની મૈત્રી હોસ્પિટલમાં જમણી આંખ બતાવવાની હોવાથી સીતારામભાઇ તેમના મિત્ર ડીસાના લુણપુર ગામના સરપંચ પ્રહલાદજી સાલુજી સોલંકી સાથે સવારે જાબડીયાથી અલ્ટો કાર(જીજે 08 અાઇસી 0609 ) લઈ મહેસાણા આવ્યા હતા. કાર પ્રહલાદજી સોલંકી ચલાવવા હતા. મૈત્રી હોસ્પિટલમાં ડોક્ટરને આંખ બતાવીને પાછા જાબડીયા જવા નીકળ્યા હતા ત્યારે બપોરના સમયે ધિણોજથી પલાસરના પાટિયા પાસે ગેસના બાટલા ભરેલા ટ્રક(જીજે 02 ઝેડઝેડ 9779)ના ચાલકે સામે આવીને ટક્કર મારતા અકસ્માત થયો હતો.

અકસ્માત સર્જી ટ્રક ચાલક ભાગી ગયો હતો. કાર સવાર બંને મિત્રોને ગંભીર ઇજાઓ થતાં 108 દ્વારા મહેસાણા વાયબ્રન્ટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે કાર ચાલક પ્રહલાદજી સોલંકીને ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આ બાબતે ઇજાગ્રસ્ત સીતારામભાઇના નિવેદન આધારે ચાણસ્મા પોલીસ મથકે ટ્રક ચાલક જીજે 02 ઝેડઝેડ 9779ના ચાલક સામે ગુનો આખલ કરાયો હતો. તે અંગે તપાસ અધિકારી પીઆઇ આર.એમ.વસાવા હાથ ધરી હતી.