ઉનાના નવાબંદરમાં અસ્થિર મગજની મહિલાને લોકોએ બાળક ચોરની શંકા રાખી ઢોર માર માર્યો


ઉનાના નવાબંદર ગામમાં અન્ય રાજ્યમાંથી આવેલી એક અજાણી વૃધ્ધ મહિલા અસ્થિર મગજની આવી ચઢતા લોકોએ તેને બાળકો ચોરી કરતી હોવાની શંકાના આધારે લોકટોળા દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો. પછીથી આ અસ્થિર મગજની વૃધ્ધ મહિલાને લોકોએ મારમાર્યા બાદ બાઇક પર બેસાડી નવાબંદર મરીન પોલીસ સ્ટેશનને લઇ જવામાં આવેલ જ્યાં પોલીસે પુછપરછ કરતા આ અસ્થિર મગજની મહિલા હોવાની જાણ થતાં પોલીસે દેલવાડા ગુપ્ત પ્રયાગ ખાતે આવેલ વૃધ્ધાશ્રમ ખાતે મોકલી આપી હતી.
સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેમાં હિંસક ટોળાએ કાયદો હાથમાં લઈ અને અસ્થિર મગજની વૃધ્ધ મહિલાને આડેધડ માર મારે છે. એક યુવાન તેને ઉપાડી બાઇકમાં બેસાડે છે પછી બે શખ્સોએ બાઇકમાં બેસાડી લઇ જતાં હોવાની સમગ્ર ઘટના વાયરલ વીડિયોમાં જોવા મળે છે. પોલીસે પૂછપરછ કરતા મહિલા અસ્થિર મગજની હોવાનું જાણવા મળ્યું. નવાબંદર મરીન પોલીસ દ્વારા માનવતા દાખવીને વૃધ્ધ મહિલાને ગુપ્ત પ્રયાગ વૃદ્ધાશ્રમમાં રાખવામાં આવી છે. જોકે આ અસ્થિર મગજની મહિલાને ઢોર મારમારનાર ટોળાઓ વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું.