રાપરમાં ધોળા દિવસે તસ્કરીને અંજામ આપતી ટોળકીને ઝડપી પાડી, કુલ રૂપિયા 1.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો


રાપરમાં છેલ્લાં સાત મહિનામા ધોળા દિવસે બંધ મકાનોના તાળાં તોડીને લાખોના ઘરેણાં અને રોકડ રકમની તસ્કરી કરી હાહાકાર મચાવનારી ટોળકીને અ ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધી છે. આ વિશે મળતી માહિતી અનુસાર દસ-બાર દિવસ પૂર્વે રાપરના ચિત્રોડ અને બાદરગઢ ગામમાં ધોળા દિવસે બે ઘરમાંથી 18 લાખથી વધુ રકમની તસ્કરી થતાં રાપરમાં ભારે ભય ફેલાયો હતો. તસ્કરીના આ બનાવને ગંભીરતાથી લઈ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પણ એક્ટિવ થઈ હતી.
તપાસમાં રાપરના આથમણા નાકે રહેતો જયેશ ભચુભાઈ સેજુ પોલીસના રડાર પર આવ્યો. તેને ઉઠાવી પૂછતાછ કરતાં તેના બે સાગરીત કાનજી હમીર મિયાત્રા તેમજ મહેશ ચૌહાણનાં નામ સામે આવ્યા હતાં. આ 3 શખ્શે માર્ચથી લઈ અત્યાર સુધીમાં પાંચ સ્થળે કરેલી ઘરફોડ ચોરીના ગુનાની કબૂલાત કરી છે. ત્રિપુટી પાસેથી માલ ખરીદતાં રાપરના તુષાર હિતેશભાઈ સોનીની પણ અટક કરવામાં આવી છે. જયેશના બે સાગરીતો હજુ પકડાયા નથી. આરોપીઓ પાસેથી પોલીસે સોનાના ઘરેણા, મોબાઈલ ફોન, રોકડ મળી કુલ રૂપિયા 1 લાખ 51 હજાર 700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.