શંખેશ્વરમાં ટ્યૂશન શિક્ષકે વિદ્યાર્થિનીને રૂમમાં બેસાડી છેડતી કરતાં ચકચાર મચી

શંખેશ્વર મધ્યે ટ્યુશન ક્લાસ ચલાવતા શિક્ષક દ્વારા એકલતાનો લાભ લઇ વિદ્યાર્થીની સાથે શારીરિક છેડછાડ કરતા ચકચાર મચી હતી. બનાવને પગલે લોકોમાં રોષ ફેલાયો હતો.  હોબાળો મચી જતા અને પોલીસ ફરિયાદ નોંધાવતાં આરોપી શિક્ષક મોબાઈલ બંધ કરીને ઘરેથી છૂમંતર થઈ ગયો હતો. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

શંખેશ્વરના મૂળ વતની અને હાલમાં રાધનપુર મધ્યે રહેતા પરિવારની 11 વર્ષની દીકરી છેલ્લા એકાદ મહિનાથી શંખેશ્વર મધ્યે આવેલ પ્લોટવાસમાં ટ્યુશન ક્લાસીસમાં જતી હતી. ગઈ 27 સપ્ટેમ્બરને મંગળવારે સાંજે છ વાગે તેણી ટ્યુશન ક્લાસ પર પહોંચી ત્યારે અન્ય વિદ્યાર્થીઓ આવેલા ન હોવાથી વિદ્યાર્થિની પગથિયા ઉતરીને ઓટલા પર નીચે બેઠી હતી ત્યારે ટ્યુશન ક્લાસ ચલાવતો શિક્ષક જલાભાઈ નાડોદા મૂળ રહે. કુવારદ તા.શંખેશ્વરે ઉપર બેસવા જણાવી તેઓ પણ ક્લાસમાં આવ્યા અને ઈંગ્લીશના સ્પેલિંગ પાકા કરવા આપ્યા.

થોડીવાર બાદ તેની પાસે બેસીને શારીરિક છેડછાડ શરૂ કરતાં ડરી ગયેલી વિદ્યાર્થીની ઘરે ભાગી હતી અને તેના દાદા દાદીને હકીકત જણાવી હતી તેમ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.  વિદ્યાર્થીની તેના દાદા અને દાદી સાથે શંખેશ્વરમાં રહી પ્રાથમિક શાળામાં ધો-7માં અભ્યાસ કરે છે. જ્યારે તેના પિતા માતા અને બીજી બહેનો રાધનપુર મધ્યે રહે છે તેણે ફોનથી જાણ કરવામાં આવતા તેના માતા પિતા દોડી આવ્યા હતા.

તપાસ ચલાવી રહેલા પીએસઆઇ જે આર શુક્લાએ જણાવ્યું હતું કે જલાભાઈ નાડોદા શંખેશ્વર મધ્યે આવેલ શિશુ મંદિરમાં પ્રાઇવેટ શિક્ષક તરીકે નોકરી કરે છે અને શંખેશ્વર મધ્યે પ્લોટવાસમાં મેડા ઉપર ટ્યુશન ક્લાસ ચલાવે છે. ટ્યુશન ક્લાસમાં એકાદ મહિનાથી જતી વિદ્યાર્થીની સાથે બનાવ બન્યો હોવાની ફરિયાદ દાખલ થતાં આરોપીની શોધખોળ શરૂ કરાઈ  છે. તેનો મોબાઈલ બંધ આવે છે અને તેના ઘરેથી ક્યાંક ભાગી જતાં તપાસ ચાલી રહી છે.