દારુ, સોપારી પછી હવે સિગારેટ્સની સ્મગલિંગ અને કરચોરીની મોડસ ઓપરેન્ડી બહાર આવી

મુંદ્રા પોર્ટથી કાસેઝ આવેલા આયાતી કન્ટેનરમાંથી મીસ ડિક્લેરલ વિદેશી સિગારેટ્સ તો મળીજ, પણ તે સાથે લોકલ કંપનીની સિગારેટ્સનો જથ્થો પણ મળી આવ્યો હતો. જેની આયાત થવી અશક્ય હોવાથી રસ્તામાંજ વિદેશી મોંઘી સિગારેટ્સને કાઢીને તેની જગ્યાએ લોકલને સેટ કરાઈ હોવાની મોડસ ઓપરેન્ડી અપનાવાઈ હોવાના તર્કના આધારે તપાસનો દોર આરંભાયો છે. ગત થોડા મહિનામાં દારુ, સોપારી બાદ હવે સિગારેટ્સની સ્મગલિંગ અને કરચોરીની મોડસ ઓપરેન્ડી બહાર આવવા પામી રહી છે.
કાસેઝની પેઢીએ વિદેશી સિગારેટની વેલ્યુએશન ઓછી દેખાડીને આયાત કર્યા બાદ તેમાં પણ ટેક્સ ચોરી કરીને લોકલ માર્કેટમાં બહાર કાઢી નાખ્યા હોવાનો ઘટનાક્રમ ગત રોજ બહાર આવ્યા પછી તેણે ઘણી ચર્ચાઓ માટે મોકળુ મેદાન આપ્યું છે. જો જથ્થો રસ્તામાં જ સગેવગે થઈ ગયો હતો તો તેનું સીલીંગ ચેક કર્યા વિના કઈ રીતે ઝોનમાં પ્રવેશ કરી શક્યુ, જો તે તુટેલું હતું તો તે માટે યોગ્ય તપાસ કેમ ન કરાઈ, તેમજ અગાઉ સોપારીનો જથ્થો જે કાસેઝથી દિલ્હી જવા રવાના થયો તેમાં વચ્ચે ચેક કરતા તે જથ્થો ગાયબ થઈ ગ્યો હતો. આ ઘટનાક્રમમાં એજન્ટની ભુમીકા હોવાની શંકા પણ સેવાઈ રહી છે.