કરાડી નજીક રસ્તમાં ગાય આવી જતાં જલાલપોરના બાઈકચાલક યુવાનનું મોત નીપજયું

નવસારીના જલાલપોરમાં રહેતા યુવાન તેની મિત્ર સાથે બપોરના અરસામાં દાંડી તરફ જતા કરાડી ગામ પાસે રસ્તામાં અચાનક ગાય આવી જતા બ્રેક મારતા સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા યુવાન રસ્તા પર ફંગોળાઈ ગયો હતો. જેને પગલે ગંભીર ઇજા થવાથી યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.

જલાલપોરના આનંદ ભુવનની ચાલમાં રહેતા રમેશભાઈ બધાભાઈ માધડએ જલાલપોર પોલીસમાં ફરિયાદ આપી હતી કે તેમના પુત્ર સાગર (ઉ.વ. 21) તેની મિત્ર દૃષ્ટિ સાથે બાઇક (નં. GJ-21-AM-3060) ઉપર દાંડી તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન બપોરે 12 વાગ્યાના સમયમાં કરાડી ગામ નજીક અચાનક રસ્તા પર ગાય પસાર થતા બ્રેક મારી હતી. જેને પગલે બાઈક સવાર સાગર અને દૃષ્ટિ રસ્તા પર પડતા સાગરને માથાના ભાગમાં ઇજા પહોચતા ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

સાગરના મોબાઈલ પરથી કરાડી ગામના સેવાભાવી યુવાનોએ મોબાઈલ પર ફોન કરી અકસ્માતની જાણ કરી હતી. જેને પગલે મૃતકના પિતા રમેશભાઈ મધાડ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યાં તેમનો પુત્ર મૃત હાલતમાં જોવા મળ્યો હતો. બાઇક પાછળ બેસેલી દૃષ્ટિબેનને ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.