કલ્યાણપુરમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો દરડા: મહિલાઓ સહિત 12 શખ્સોની ધરપકડ કરી કુલ રૂપિયા 3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના સીમ વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે મોડી રાત્રે જુગારધામ પર દરોડો પાડી જુગારધામમાંથી બે મહિલાઓ સહિત કુલ 12 જુગારીઓને પકડી પાડ્યા હતા.
આ અંગેની વિગત અનુસાર, કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની રાતડા સીમ વિસ્તારમાં રહેતા ભરત રામશી કંડોરીયા નામના 25 વર્ષના ઈસમ દ્વારા પોતાની વાડીના રહેણાંક મકાનમાં પોતાના અંગ ફાયદા માટે જુગારીઓને રમવા માટે સુખ સુવિધાઓ પૂરી પાડાતી હતી. તેના બદલે નાલ ઉઘરાવીને ચલાવતા જુગારના અખાડા પર સ્થાનિક પોલીસે રાત્રિના એક વાગ્યે દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી જુગાર રમતા સુરેશભારથી નારણભારથી બાવાજી, દિલીપ નાનાલાલ મહેતા, ધરણાત મારખી કંડોરીયા, મનુભા ઘેલુભા માણેક, પ્રવીણ ભોવન ગોસ્વામી, ભરતભા પરબતભા માણેક, બાબુગર કેશુગર ગોસ્વામી, નાથુભા મહોબતસિંહ વાઢેર, અશોક છગનલાલ સોનૈયા, દુધીબેન ઉર્ફે દીપુબેન નાથુ સામત માડમ અને ટમુબેન નાગાજણ રામા જાડેજા નામના 12 શખ્સોને પકડી લીધા હતા. આ કાર્યવાહીમાં પોલીસે રૂપિયા 54,100 રોકડા, રૂપિયા 36,000ની કિંમતના 9 નંગ મોબાઈલ ફોન, રૂ. 65,000ની કિંમતની 3 મોટરસાયકલ અને રૂપિયા 2 લાખની એક મોટરકાર મળી, કુલ રૂ. 3,55,100નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારાની કલમ અનુસાર ધોરણસર કાર્યવાહી કરી હતી.