કલ્યાણપુરમાંથી ક્રિકેટ પર સટ્ટો રમતાં 2 ઇસમો, દારુની હેરાફેરી કરતાં શખ્સો 2 ઉપરાંત મીઠાપુરમાં હથિયાર લઈ ફરતો યુવક ઝડપાયો

copy image

ભાટિયામાં ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતાં બે ઇસમો પકડાયા હતા. આ ઉપરાંત લાંબા ગામેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડ્યા છે. તેમજ મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાંથી એક ઈસમ હથિયાર સાથે પકડાયો હતો.

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં LCB પોલીસે ગત સાંજે નારણ ઉર્ફે નાયો પાલા આંબલીયા નામના 33 વર્ષના ઈસમના રહેણાંક મકાનમાં રેડ પાડી, આ સ્થળે ક્રિકેટ વર્લ્ડકપ 20-20 મેચ ઉપર રનફેર, વિકેટ અને હાર-જીત પર રમાતાં જુગારના અખાડામાંથી પોલીસે નારણ ઉર્ફે નાયો આંબલીયા સાથે લાંબા ગામની સીમમાં રહેતાં મુકેશ મુરુ ચેતરીયા નામના બે ઇસમોને પકડી પાડ્યા હતાં. ઝડપાયેલા આ ઇસમો પાસેથી પોલીસે રૂ. 30 હજાર 500 રોકડા, રૂ. 6,500ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન અને રૂ. 10 હજારની કિંમતનું ટીવી વિગેરે મળી કુલ રૂ. 47 હજાર 500નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારાની કલમ અનુસાર ધોરણસર કાર્યવાહી કરી હતી.

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં રહેતાં ભાયા મેરામણ ચેતરીયા તથા કરશન રામા ગોજીયા નામના બે ઇસમોની પોલીસે વિદેશી દારૂની છ બોટલ અને મોટરસાયકલ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 42 હજાર 400ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. આ પ્રકરણમાં દારૂનો જથ્થો તેમણે રાણપર ગામના જગા દાના રબારી પાસેથી મેળવ્યો હોવાનું કબુલાત કરતાં પોલીસે પ્રોહિ. એક્ટ અનુસાર ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.​​​​​​​

​​​​​​​મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતાં જેઠા ઉર્ફે વિજય ભુટા સુમાણી નામના 18 વર્ષના ઈસમને પોલીસે છરી સાથે નીકળતાં પકડી પાડી તેની સામે ગુનો દાખલ કર્યો હતો.