ગાંધીનગરના છાલા હાઇવે પર ઈકો કારમાંથી 613 નંગ દારૂ – બિયરનો જથ્થો પકડાયો: 3.67 લાખના મુદામાલ સાથે ડ્રાઈવરની અટકાયત કરાઇ

ગાંધીનગરના છાલા હાઇવે રોડ પરથી પૂર્વ બાતમીના આધારે ચીલોડા પોલીસે ઈકો કારમાંથી 613 નંગ દારૂ – બિયરનો જથ્થો પકડી પાડી કુલ રૂ. 3.67 લાખનો મુદામાલ કબ્જે કરી ડ્રાઇવરની અટકાયત કરી લીધી હતી. જ્યારે અંધારાનો લાભ ઉઠાવી એક શખ્સ નાટયાત્મક રીતે ભાગી જવામાં સફળ રહ્યો હતો.
ગાંધીનગરનાં છાલા હાઇવે રોડ પરથી ઈકો કારમાં વિદેશી દારૂની હેરફેર થવાની બાતમી મળતાં ચીલોડા પોલીસે ખાનગી વાહનોમાં મોતીપુરા ગામ તરફથી આવતા એપ્રોચ રોડ ઉપર છાલા ગામની સીમમા થોડા થોડા અંતરે વોચમાં ગોઠવી હતી. ત્યારે મોતીપુરા તરફથી બાતમી અનુસારની ગાડી આવતાં ટોર્ચ લાઈટથી રોકાવા ઈશારો કરાયો હતો.
ઈકો કારના ચાલકે થોડેક આગળ જઈને ગાડીને અટકાવી દીધી હતી. ત્યારે થોડા થોડા અંતરે પોલીસ વોચમાં ઉભી હોવા છતાં ઈકો કારમાંથી બે શખ્સો ભાગવા લાગ્યા હતા. આથી પોલીસે દોટ મૂકીને એકને પકડી પાડયો હતો. જ્યારે અન્ય એક શખ્સ નાટયાત્મક રીતે અંધારાનો લાભ ઉઠાવીને ભાગી જવામાં સફળ રહ્યો હતો.
બાદમાં પોલીસે ગાડીની તલાશી લઈ અંદરથી વિદેશી દારૂની 383 નંગ બોટલો તેમજ 230 નંગ બિયરના ટીન શોધી લીધા હતા. જેનાં પગલે ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ ધવલ દીપકભાઇ અસારી (ઉ.વ.22 રહે.ભુતાવડ કલાસવા ફળીયુ તા. ભીલોડા જી.અરવલ્લી) તથા ભાગી ગયેલા શખ્સનું નામ સંદીપ ઉર્ફે રોકી નીનામા (રહે. ધોલવાની ગામ ભિલોડા) હોવાનું જણાવ્યું હતું. જ્યારે ઉક્ત દારૂનો જથ્થો ભિલોડા ભૂતવાડાના રોહિત ખરાડી નામના શખ્સે રાજસ્થાન પાલીસોડા બોર્ડર થી ગાડીમાં ભરી આપ્યો હોવાનું કબૂલ્યું હતું. જેની ડીલીવરી અમદાવાદ કરવાની હતી. આથી પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી કુલ રૂ. 3.67 લાખનો મુદામાલ કબ્જે કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.