અમરેલી-સાવરકુંડલા હાઇવે પર પીકઅપ ગાડીનું અચાનક ટાયર ફાટી જતાં ડાલું પલટ્યું, 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

અમરેલી જિલ્લાના અમરેલી-સાવરકુંડલા હાઇવે પર આજે એક ગંભીર અકસ્માત થયો હતો. અમરેલી-સાવરકુંડાલા હાઈવે પર પીકઅપ ગાડીનું અચાનક ટાયર ફાટી જતાં પીકઅપ ડાલું પલટી ગયું હતું. જેથી 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોચી હતી. પીકઅપ ગાડીમાં સગાઈના પ્રસંગમાં જઈ રહેલા મુસાફરોને આ અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતમાં મુસાફરો વિજપડી પાસે આવેલા છાપરી ગામથી બાબરા સગાઇના પ્રસંગે બોલેરો પીકઅપ લઈને જતાં હતા તે દરમિયાન અચાનક પીકઅપનું ટાયર ફાટી જવાના લીધે પીકઅપ પલટી મારી ગયું હતું. જેથી 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલીક અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખેસડાયા હતા. આ અકસ્માતને લીધે અહીં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અને સ્થાનિક લોકો સહિત પોલીસ પણ ઘટના પર દોડી આવી હતી અને જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.